કચ્છી ઇન્વેસ્ટર્સના કરોડો ડુબાડનાર દીપેન ચંદ્રુઆની અંતે અરેસ્ટ

04 August, 2022 09:33 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

રોકાણકારોના પૈસા પર પાણી ફેરવીને છેલ્લાં બે વર્ષથી હાથ ન આવનાર અને છેલ્લાં થોડાં વર્ષોથી મુંબઈમાં રહેતા દીપેન ચંદ્રુઆને આઠમી ઑગસ્ટ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો કોર્ટે આદેશ આપ્યો છે

કચ્છી રોકાણકારોની સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે દીપેન ચંદ્રુઆ પર

મોટા પાયે નફો મેળવવાની લાલચમાં આવીને કચ્છી સમાજના રોકાણકારો સાથે અંદાજિત ૨૦ કરોડ રૂપિયા આસપાસની રકમની છેતરપિંડી કરવાના આરોપસર અંતે દીપેન ચંદ્રુઆની ઈઓડબ્લ્યુ દ્વારા ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે. રોકાણકારોના પૈસા પર પાણી ફેરવીને છેલ્લાં બે વર્ષથી હાથ ન આવનાર અને છેલ્લાં થોડાં વર્ષોથી મુંબઈમાં રહેતા દીપેન ચંદ્રુઆને આઠમી ઑગસ્ટ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો કોર્ટે આદેશ આપ્યો છે. જોકે દીપેન ચંદ્રુઆની કંપનીઓમાં રોકાણ કરનાર રોકાણકારોમાંથી અમુકને તો તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓ બીમાર પડી ગયા છે.

કચ્છના મૂળ મુંદ્રા તાલુકાના બગડાનો વતની દીપેન ચંદ્રુઆ સમાજમાં અગ્રણી વ્યક્તિત્વ ધરાવતો હોવાથી સમાજના અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને તેણે લોકોનો વિશ્વાસ જીત્યો હતો તેમ જ બે કંપનીમાં રોકાણ કરીને બમણો નફો મેળવવાની લલચામણી અનેક વાતો અને ઑફરો આપીને અનેક રોકાણકારો પાસેથી મૂડી ભેગી કરી હતી. તેણે પૈસા જમા કરવા માટે મુંબઈમાં નાણાદલાલી કરનાર ડૉ. હેમલ શાહ દ્વારા ઘણા રોકાણકારો પાસેથી પોતાની કંપનીમાં પૈસાનું રોકાણ કરાવ્યું હતું. એ સાથે દીપેને રોકાણકારોને વિશ્વાસ રહે એટલે લેખિતમાં આપ્યું પણ હતું કે સમયાનુસાર રકમ પાછી આપવામાં આવશે. જોકે તેની કંપનીમાં ઘણી આશા સાથે રોકાણ કરનારા રોકાણકારોને બે વર્ષ બાદ પણ કોઈ રકમ ન મળતાં તેમને શંકા થવા લાગી હતી. એથી રોકાણકારોએ સમાજના અમુક અગ્રણીઓ સામે ૨૦૧૯માં આ વિશે પોતાની બાજુ મૂકી હતી. રોકાણકારો પાસે રહેલાં કાગળિયાં અને પુરાવાના આધારે દીપેન ચંદ્રુઆ સામે કચ્છી ગુજરાતી ઇન્વેસ્ટર્સ ગ્રુપે મુંબઈના ઈઓડબ્લ્યુ વિભાગમાં ૨૦૧૯માં ફરિયાદ કરી હતી.

ફરિયાદના આધારે ઈઓડબ્લ્યુ વિભાગના પોલીસ કમિશનરે સંબંધિત બ્રાન્ચને તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો. પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું કે દીપેને મુંબઈના નાણાદલાલ ડૉ. હેમલ શાહ અને ચેતન વિસરિયા દ્વારા કચ્છી સમાજના ઘણાબધા રોકાણકારોના ૧૪ કરોડ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી કરી છે. ત્યાર બાદ પોલીસ-તપાસ દરમ્યાન ૨૦૨૧માં દીપેન સામે કેસ દાખલ થયો હતો.

જોકે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં ન આવે એટલે દીપેને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી પણ કરી હતી. જોકે કોર્ટમાં થયેલી દલીલો અને પુરાવાઓના આધારે ૨૦૨૨ના જુલાઈમાં આ અરજી મંજૂર થઈ ન હોવાથી દીપેન ચંદ્રુઆને જામીન મળી રહ્યા નહોતા. રોકાણકારોને છેતર્યા હોવાથી તેની ધરપકડ થવી જોઈએ એટલે અગ્રણીઓએ ઍડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ પડવળ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. ત્યાર બાદ દીપેનને શોધવા પોલીસ ટીમો સક્રિય બની હતી અને ગઈ કાલે ગોરેગામથી તેની ધરપકડ કરવામાં આવી છે.

નાણાદલાલનું શું કહેવું છે?
મુંબઈના નાણાદલાલ ડૉ. હેમલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીપેન ચંદ્રુઆ ભણવાથી લઈને આધ્યાત્મિક રીતે ખૂબ આગળ હતો. દીક્ષાના ભાવ સુધી તે ધર્મ સાથે જોડાયેલો હતો. કૉલેજમાં રૅન્કર તરીકે ઓળખાતો હતો, પરંતુ તેની સાથે કંઈક એવી ઘટનાઓ બની છે જે જણાવી શકાય એવી નથી. ભગવાન તેને માર્ગ દેખાડે. ન્યાયતંત્રમાં ન્યાય તો અચૂક મળવાનો જ છે. લગભગ ૭૦૦ જેટલા રોકાણકારોએ તેની કંપનીઓમાં રોકાણ કર્યું હોવાથી રોકાણની રકમ મોટી છે. અમને પણ દીપેને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ હોવાનું અને બરોડામાં ફૅક્ટરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે કહે છે કે આવું કંઈ નથી. અમુક ૬-૭ રોકાણકારોને મેં પોતાની અમુક પ્રૉપર્ટી વેચીને અમુક પૈસા આપ્યા છે. અમુક રકમ અમારા માધ્યમથી અપાઈ હોવાથી અમે દીપેનને હાથ જોડીને વિનંતી કરી હતી કે નફો તો નહીં, પણ મૂળ રકમ તો આપ.’

પોલીસનું શું કહેવું છે?
ઍડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ પડવળે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દીપેન ચંદ્રુઆની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે. આશરે ૨૦ કરોડ રૂપિયાની આસપાસનો છેતરપિંડીનો આ કેસ છે. ફરિયાદના આધારે ઈઓડબ્લ્યુ દ્વારા કાર્યવાહી કરીને કોર્ટમાં હાજર કરાતાં ૮ ઑગસ્ટ સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે.’  

અન્ય નાણા દલાલ ચેતન વિસરીયાનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ એ થઈ નહોતો શક્યો. આ ઉપરાંત દીપેનને વકીલનો પણ સંપર્ક નહોતો થઈ શક્યો.

mumbai mumbai news Crime News mumbai crime news preeti khuman-thakur