આવી ભયાનક ક્રૂરતા! ધડથી માથું અલગ કર્યું અને માથાનાં પણ બે ફાડિયાં કર્યાં

09 June, 2023 08:22 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

લિવ-ઇન પાર્ટનરની હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા ક્રૂરતાની બધી હદ ઓળંગી લીધી : ઠંડે કલેજે બે નિતંબના ટુકડા કરી અલગ કર્યા, હાથ-પગ, ધડ અલગ કરતાં પણ અચકાયો નહીં : કટર અને ચાકુ લાવી મૃતદેહના ટુકડા કર્યા, કુકરમાં બાફ્યા, પછી નાળા અને ટૉઇલેટમાં નાખ્યા

આરોપી આ બિલ્ડિંગમાં રહે છે

હકીકત કલ્પના કરતાં પણ બિહામણી હોય છે એવું ફરી એક વખત બહાર આવ્યું છે. દેશભરમાં ચકચાર જગાડનારી વસઈની શ્રદ્ધા વાલકરની તેના જ બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ દિલ્હીમાં કરેલી કરપીણ હત્યાના કેસ બાદ મીરા રોડમાં બુધવારે સાંજે આરોપીએ તેની લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી યુવા પાર્ટનરની હત્યા કરીને જે રીતે તેના મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો એ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આખા ફ્લૅટમાં મૃતદેહના ટુકડા વેરવિખેર પડેલા જોવા મળ્યા હતા, એટલું જ નહીં, ક્રૂરતાની બધી હદ તેણે ઓળંગી લીધી હતી. હત્યા કર્યા બાદ બે-ત્રણ પ્રકારના ચાકુ અને કટર લાવીને મનોજ સાનેએ સરસ્વતી વૈદ્યનું માથું અને હાથ-પગ ધડથી અલગ કર્યાં હતાં. એટલેથી સંતોષ ન થતાં તેણે માથાનાં ઊભાં બે ફાડિયાં કરી નાખ્યાં હતાં. બન્ને નિતંબ કાપીને અલગ કરી નાખ્યા હતા. બીજા અવયવના નાના-નાના ટુકડા કરી તેણે એ કુકરમાં બાફ્યા હતા. કહેવાય છે કે મિક્સરમાં ક્રશ કરી એને ટૉઇલેટમાં અને કેટલોક ભાગ નાળામાં વહાવી દીધો હતો. તેણે આટલી ક્રૂરતા શા માટે આચરી એ તેની વિકૃતિ હતી કે ગુસ્સો? એવો સવાલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચર્ચાઈ રહ્યો છે.

મીરા-ભાઈંદર વચ્ચેના ફ્લાયઓવરની નીચે ઈસ્ટમાં મીરા રોડ સાઇડ આવેલા ગીતા નગર ફેઝ-૭ના ૭મા માળે આવેલા ફ્લૅટ નંબર-૭૦૪માંથી ભયંકર દુર્ગંધ આવી રહી હોવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. એ પછી નયા નગરના પોલીસ ​અધિકારીઓ બુધવારે સાંજે ૭ વાગ્યે ફ્લૅટ પર પહોંચ્યા હતા. એ વખતે ફ્લૅટમાં રહેતો મનોજ સાહની લિફ્ટમાં નાસી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. ફ્લૅટ ખોલતાં જ એમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવી હતી. ફ્લૅટમાં ઠેર-ઠેર મૃતદેહના ટુકડા વિખેરાયેલા પડ્યા હતા અને એ કોહવાવા માંડ્યા હતા. ૫૬ વર્ષના મનોજ સાહનીએ તેની સાથે રહેતી ૩૬ વર્ષની લિવ-ઇન પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કરી હતી. ફ્લૅટમાં વધુ તપાસ કરતાં કુકરમાં મૃતદેહના બાફેલા ટુકડા મળી આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ હતી કે માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું, પણ એનાં ઊભાં બે ફાડચાં કરી નાખ્યાં હતાં, નિતંબ પણ શરીરથી કાપીને અલગ રાખ્યા હતા. આમ આરોપીએ ક્રૂરતાપૂર્વક તેના મૃતદેહના ટુકડા કર્યા હતા. પોલીસે કટર, કુકર વગેરે તાબામાં લઈ વધુ તપાસ આદરી છે.  

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી અને યુવતીની ઓળખાણ રૅશનિંગની દુકાન પર થઈ હતી અને ૩ વર્ષથી તેઓ ભાડેના ફ્લૅટમાં રહેતાં હતાં. યુવતી અનાથ હતી. તેને કોઈકના સહારાની જરૂર હતી અને એવે વખતે તેને આરોપીનો સહારો મળતાં તે તેની સાથે રહેવા માંડી હતી.

આ કરપીણ હત્યાનો કેસ હોવાથી નયા નગરના પોલીસ અધિકારીઓ, એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને તેમની દોરવણી હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. પંચનામું કરી મૃતદેહના ટુકડા જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા છે. ફૉરેન્સિક ટીમે પુરાવા એકઠા કર્યા હતા અને ડૉગ સ્ક્વૉડને પણ તપાસમાં ઉતારી હતી. આરોપીને ગઈ કાલે કોર્ટમાં હાજર કરાતાં તેને ૧૬ જૂન સુધીની પોલીસ-કસ્ટડી અપાઈ છે.

આ કેસ વિશે જણાવતાં ડીસીપી જયંત બજબલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી​એ તેની લિવ-ઇન પાર્ટનરની ક્રૂર હત્યા કરી છે અને મૃતદેહનો નિકાલ કરવા તેના શરીરના ટુકડા કર્યા અને એને કુકરમાં બાફ્યા હોવાનું જણાયું છે. જોકે એવું ચર્ચાઈ રહ્યું છે કે તેણે કેટલાક ટુકડા કૂતરાઓને ખવડાવી દીધા છે, પણ એ વિશે અમારી પાસે કોઈ નક્કર માહિતી નથી. એ અફવા હોવાનું લાગી રહ્યું છે. અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને અન્ય પુરાવા એકઠા કરી રહ્યા છીએ. આરોપીનો મોબાઇલ પણ હાથ લાગ્યો છે, જેમાંથી તેણે હત્યા શા માટે કરી એ જાણવાનો અમે પ્રયાસ કરીશું. અમે આરોપીની પોલીસ-કસ્ટડી મેળવી છે. હવે તેની વધુ પૂછપરછ કરીશું.’

ફડણવીસ પોતાના ડિપાર્ટમેન્ટ પૂરતું ધ્યાન આપે : સુપ્રિયા સુળે

મીરા રોડના ક્રૂરતાભર્યા મર્ડરના મુદ્દે હવે પૉલિટિકલ મોરચે પણ સામસામે ખડાજંગી ચાલુ થઈ ગઈ છે. એનસીપીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ આ હત્યાને ભયાનક ગણાવીને ટ્વીટ કરતાં કહ્યું કે ‘મીરા રોડમાં મહિલાની તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા હત્યા થઈ છે. આરોપીએ મૃતદેહનો નિકાલ કરવા તેના કાપીને નાના-નાના ટુકડા કર્યા, એને ​કુકરમાં બાફ્યા અને મિક્સરમાં ક્રશ કર્યા. આ બહુ ભયાનક અને અમાનવીય છે. ડેપ્યુટી સીએમ જે ગૃહમંત્રાલયનો પણ પોર્ટફોલિયો સંભાળે છે તેમણે પોતાના ડિપાર્ટમેન્ટ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ.’ એની સામે બીજેપીનાં મહિલા પાંખનાં વડાં ચિત્રા વાઘે કહ્યું કે ‘મીરા રોડ કેસ સંદર્ભે દેવેન્દ્ર ફડણવીસ સક્ષમ છે અને એમાં ઍક્શન પણ લેવાશે, પણ જ્યારે મહા વિકાસ આઘાડીની સરકાર હતી અને પુણેના મંચરની માઇનર છોકરીને મુસ્લિમ છોકરો ભગાવી ગયો ત્યારે તો તમે કાંઈ બોલ્યાં જ નહોતાં અને અઢી વર્ષ સુધી તેને શોધી ન શક્યાં. જો મહા વિકાસ આઘાડીની સરકારે તેને શોધી કાઢ્યાં હોત તો શ્રદ્ધા વાલકરના ટુકડા ન થયા હોત. તમે જે રીતે રંગ બદલો છો એ જોઈને તો કાચિંડો પણ શરમાય.’ 

કેટલાક ટુકડા કૂતરાઓને ખવડાવી દીધા છે : ડીસીપી જયંત બજબલે

મૃતદેહનો નિકાલ કરવા તેના શરીરના ટુકડા કર્યા અને એને કુકરમાં બાફ્યા હોવાનું જણાયું છે. જોકે એવું ચર્ચાઈ રહ્યું છે કે તેણે કેટલાક ટુકડા કૂતરાઓને ખવડાવી દીધા છે, પણ એ વિશે અમારી પાસે કોઈ નક્કર માહિતી નથી.

mira road Crime News mumbai crime news maharashtra mumbai mumbai news mumbai police bakulesh trivedi