પતિ, પત્ની ઔર ‘વો’ મિત્ર

04 July, 2025 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની પત્ની સાથે અફેર છે એવી શંકાને પગલે પોતાના દોસ્તને ઑલમોસ્ટ પતાવી દીધો

જુનૈદે છાતી, ચહેરા અને હાથ પર વાર કરતાં શાહરુખ ફસડાઈ પડ્યો હતો

વડાલામાં બુધવારે સાંજે ૭ વાગ્યે દરગાહ રોડ પર લોકોની અવરજવર ધરાવતા રસ્તામાં પોતાના મિત્ર અને પત્નીના પ્રેમી પર તલવારના વાર કરી તેને ગંભીર રીતે ઘાયલ કરીને આરોપી પતિએ પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. આ કેસમાં વડાલા ટ્રક ટર્મિનસ પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

આ કેસનો આરોપી જુનૈદ મુન્નુ ખાન ઉર્ફે ચેના ટિટવાલાનો રહેવાસી છે. તેને શંકા હતી કે તેની પત્નીના તેના મિત્ર શાહરુખ સાથે અનૈતિક સંબંધ છે. તે શાહરુખને સાયન અને પછી વડાલા લઈ ગયો હતો. પહેલાં બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા જુનૈદે ત્યાર બાદ શાહરુખને કહ્યું કે મારી પત્ની સાથે તું સૂએ છે. એમ કહી તેણે તેની પાસેના ધારદાર હથિયારથી શાહરુખ પર હુમલો કરી દીધો હતો અને આડેધડ ઘા ઝીંકવા માંડ્યા હતા. એ વખતે ઘણાબધા લોકો રસ્તા પર હતા. તેમણે બૂમો પાડીને જુનૈદને એમ ન કરવા કહ્યું હતું, પણ તેના હાથમાં હથિયાર હોવાથી તેની નજીક જઈને તેને રોકવાની ​હિંમત કોઈએ નહોતી કરી. જુનૈદે છાતી, ચહેરા અને હાથ પર વાર કરતાં શાહરુખ ફસડાઈ પડ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હોવા છતાં ભાનમાં રહ્યો હતો. લોહી નીંગળતી હાલતમાં તે કોઈને ફોન કરતો હોવાનું પણ વિડિયોમાં જણાઈ રહ્યું છે. ત્યાર બાદ કોઈએ આ બાબતે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં વડાલા ટ્રક ટર્મિનસ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને લોહી નીંગળતી હાલતમાં શાહરુખને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ મોડેથી જુનૈદે વડાલા ટ્રક ટર્મિનસ પોલીસ-સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું હતું. પોલીસે તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.

પોલીસ શું કહે છે?

વડાલા ટ્રક ટર્મિનસ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રમેશ જાધવે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી અને વિક્ટિમ બન્ને મિત્રો છે અને ટિટવાલાના રહેવાસી છે. આરોપી જુનૈદને શંકા હતી કે તેના મિત્ર શાહરુખનું તેની પત્ની સાથે અફેર છે. એથી તેણે પ્લાન કર્યો હતો. તે પહેલેથી જ હુમલો કરવાની તૈયારીરૂપે હથિયાર સાથે લાવ્યો હતો. તે શાહરુખને દારૂ પીવા સાયન લાવ્યો હતો અને પછી તેના પર હુમલો કર્યો હતો. હાલ શાહરુખની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જુનૈદની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.’

wadala crime news mumbai crime news mumbai mumbai news mumbai police murder case news