23 April, 2025 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ
બૉલીવુડના અભિનેતા ટાઇગર શ્રોફની હત્યા કરવા માટે બે લાખ રૂપિયાની સુપારી અને હથિયાર આપવામાં આવ્યાં હોવાનો ફોન સોમવારે મુંબઈ પોલીસને આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને ફોન કરનારાની માહિતી મેળવી હતી. ૩૫ વર્ષનો આરોપી મનીષકુમાર સુજિંદર સિંહ પંજાબમાં હોવાથી ખાર પોલીસની ટીમે તેની પંજાબમાંથી ધરપકડ કરી હતી અને ગઈ કાલે આરોપીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે તે ટ્રિગ નામની સિક્યૉરિટી એજન્સીમાં કામ કરતો હતો. આ એજન્સીએ પગાર કાપી લીધો હતો એટલે આ એજન્સીને બદનામ કરવા માટે પોલીસને ધમકી અને સુપારી આપવામાં આવી હોવાની ખોટી માહિતી આપી હતી.
ખાર પોલીસ-સ્ટેશનના જણાવ્યા મુજબ ટ્રિગ સિક્યૉરિટી એજન્સીમાં કામ કરતો મનીષકુમાર સિંહ છેલ્લા કેટલાક દિવસથી કામ પર નહોતો જતો એટલે એજન્સીએ તેનો પગાર કાપી લીધો હતો. પગાર કાપવાનો બદલો લેવા માટે આરોપી મનીષકુમાર સિંહે ટ્રિગ સિક્યૉરિટી એજન્સીના બ્રાન્ચ-હેડ ભૂપેન્દ્ર દુબે અને એરિયા ઑફિસર દિનેશ સિંહને કાયદાકીય કાર્યવાહીમાં ફસાવવા અને એજન્સીને બદનામ કરવા માટે મુંબઈ પોલીસના કન્ટ્રોલ નંબરમાં સોમવારે ફોન કર્યો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. આરોપી મનીષકુમાર સિંહે ખોટી માહિતી આપીને સિક્યૉરિટી એજન્સીની બદનામી કરી હોવાથી તેની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે.