મુંબઈ ઍરપોર્ટ પરથી ૫૬ કરોડ રૂપિયાના હેરોઇન સાથે એક જણની ધરપકડ

28 February, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર ઇન્ટેલિજન્સ યુનિટને માહિતી મળી હતી કે એક વ્યક્તિ મોટા પ્રમાણમાં હેરોઇનની ડિલિવરી કરવાની છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ગઈ કાલે ઍર ઇન્ટેલિજન્સ યુનિટે દક્ષિણ આફ્રિકાના એક નાગરિકની ૫૬ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આઠ કિલો હેરોઇન સાથે ધરપકડ કરી હતી.

ઍર ઇન્ટેલિજન્સ યુનિટને માહિતી મળી હતી કે એક વ્યક્તિ મોટા પ્રમાણમાં હેરોઇનની ડિલિવરી કરવાની છે. એથી ઍર ઇન્ટેલિજન્સ યુનિટના ડેપ્યુટી કમિશનર મનુદેવ જૈનની આગેવાની હેઠળ ટીમે રવાન્ડા ઍરની ફ્લાઇટ-નંબર ડબ્લ્યુ-૫૦૦ પર વૉચ રાખી હતી.

ઍર ઇન્ટેલિજન્સની ટીમે પૅસેન્જર મઝીઝ લીન્ડોકુલ્હેની પૂછપરછ કરી હતી. તેની ટ્રૉલી-બૅગની તપાસ કરતાં એમાં રાખેલી ત્રણ નાની બૅગમાંથી આઠ કિલો હેરોઇન છુપાવેલું મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઇનની કિંમત ૫૬ કરોડ રૂપિયા થાય છે.

મઝીઝ લીન્ડોકુલ્હેએ તેની પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તે એ ડ્રગ જોહનિસબર્ગથી લાવ્યો હતો. કસ્ટમ્સ-ઑફિસરે આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘તેના પાસપોર્ટની ચકાસણી કરતાં તે પહેલી જ વાર ઇન્ડિયા આવ્યો હતો. હેરોઇન તે કોને સપ્લાય કરવાનો હતો એની તેને જાણ નહોતી. વેસ્ટર્ન સબર્બ્સની એક હોટેલમાં તેના નામે હોટેલનું બુકિંગ કરાયું હતું અને આઠ દિવસ બાદ તે ફરી દક્ષિણ આફ્રિકા પાછો જવાનો હતો. ધરપકડ કરી તેની સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવાઈ રહી છે.’ 

mumbai mumbai news mumbai airport chhatrapati shivaji international airport Crime News mumbai crime news