ડ્રગ્સ-ઑન-ક્રૂઝ કેસના ડ્રામાનો પર્દાફાશ કરવાની મલિકે કિંમત ચૂકવવી પડી :સંજય રાઉત

29 May, 2022 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ શુક્રવારે ‘ડ્રગ્સ ઑન ક્રૂઝ’ કેસમાંથી આર્યન ખાનને ક્લીન ચિટ આપી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાને બાવીસ દિવસ જેલમાં વિતાવ્યા હતા. 

સંજય રાઉત

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ‘ડ્રગ્સ ઑન‌ ક્રૂઝ’ કેસ પાછળના ડ્રામાનો પર્દાફાશ કરવા બદલ એનસીપી નેતા નવાબ મલિકને અભિનંદન આપ્યાં હતાં. કોલ્હાપુરમાં પત્રકારો સાથે બોલતાં સંજય રાઉતે કહ્યું હતું કે નવાબ મલિક કેસ પાછળનો ડ્રામા તથા બીજેપીના અસલી ચહેરાનો પર્દાફાશ કરવાની કિંમત ચૂકવી રહ્યા છે. ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા ફેબ્રુઆરીમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ શુક્રવારે ‘ડ્રગ્સ ઑન ક્રૂઝ’ કેસમાંથી આર્યન ખાનને ક્લીન ચિટ આપી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાને બાવીસ દિવસ જેલમાં વિતાવ્યા હતા. 
એનસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પર્યાપ્ત પુરાવાના અભાવે આર્યન ખાન અને અન્ય પાંચ આરોપીઓનાં નામનો એનસીબીની ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. એને પગલે સરકારે પણ કેસની તપાસ કરતા અધિકારી સમીર વાનખેડે દ્વારા લેવાયેલા કથિત હીન કૃત્ય માટે તેમની સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.’  
રાજ્યના પ્રધાન નવાબ મલિકે શાહરુખ ખાન પાસેથી પૈસા વસૂલવા માટે તેના પુત્ર આર્યન ખાનને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ મૂકીને એનસીબી અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ સાચા અર્થમાં ઝુંબેશ શરૂ કરી હતી. 

Mumbai mumbai news nawab malik sanjay raut