02 August, 2025 07:48 AM IST | Malegaon | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈની સેશન્સ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા પછી સમીર કુલકર્ણી અને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર
પાવરલૂમ સિટી તરીકે જાણીતા માલેગાંવમાં ૨૦૦૮ની ૨૯ સપ્ટેમ્બરે મસ્જિદની બહાર થયેલા બૉમ્બબ્લાસ્ટમાં ૬ જણ મૃત્યુ પામ્યા હતા અને ૧૦૧ જણ ઘાયલ થયા હતા. કેસની તપાસ ત્યાર બાદ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી હતી. આ ઘટનાનાં ૧૭ વર્ષ બાદ NIA કોર્ટના સ્પેશ્યલ જજ એ. કે. લાહોટીએ ગઈ કાલે કેસનો ચુકાદો આપી કેસના તમામેતમામ ૭ આરોપીઓને છોડી મૂક્યા હતા. એની સાથે જ આરોપીઓ સામે લગાડવામાં આવેલો અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) પણ પડતો મૂક્યો હતો. એ માટે કોર્ટે કહ્યું હતું કે આ ઍક્ટ લગાડતી વખતે મગજનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફરિયાદ પક્ષ દ્વારા કેસની રજૂઆત કરતાં કહેવાયું હતું કે કોમી દૃષ્ટિએ સંવેદનશીલ એવા માલેગાંવના મુસ્લિમ સમાજને ભયભીત કરવા જમણેરી વિચારસરણીના અંતિમવાદીઓ દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
ગઈ કાલે મુંબઈમાં કોર્ટમાંથી બહાર નીકળતા સુધાકર ચતુર્વેદી અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત.
જજ એ. કે. લાહોટીએ ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘આરોપીઓ સામે કેસ પુરવાર થાય કે ભરોસો કરી શકાય એવા પુરાવા નથી. કેસની તપાસમાં અને રજૂઆતમાં ઘણાં છીંડાં હોવાનું જણાયું છે. ફક્ત શંકા ક્યારેય પુરાવાનું સ્થાન ન લઈ શકે. આરોપીઓને બેનિફિટ ઑફ ડાઉટ મળવો જોઈએ. જે પુરાવા રજૂ કરાયા છે એનાથી એવું પુરવાર થતું નથી જેના આધારે કોર્ટ આરોપીઓને સજા ફરમાવે. જે મોટરસાઇકલ બ્લાસ્ટ કરવા માટે વપરાઈ છે એ પણ પ્રજ્ઞા ઠાકુરના નામે રજિસ્ટર થઈ હતી એ ફરિયાદપક્ષ પુરવાર કરી શક્યો નથી. ફરિયાદપક્ષે એ પુરવાર કર્યું કે બ્લાસ્ટ થયો, પણ તેઓ એ પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યા છે કે એક્સ્પ્લોઝિવ્સ મોટરબાઇક પર જ ફિટ કરવામાં આવ્યા હતા. ફરિયાદપક્ષે એવો દાવો કર્યો હતો કે આ બ્લાસ્ટનું કાવતરું ઘડવા ભોપાલ અને નાશિકમાં અનેક બેઠકો થઈ હતી. જોકે કોઈ પણ સાક્ષીએ આ થિયરીને સપોર્ટ કર્યો નથી. એથી એ બેઠકો અને કાવતરું ઘડાયું એ પણ પુરવાર થતું નથી. અભિનવ ભારત સંસ્થાને આ બ્લાસ્ટ કરવા માટે પૈસા આપવામાં આવ્યા હતા એવો જે દાવો કરવામાં આવ્યો હતો એ પણ પુરવાર થતો નથી એટલે એવું લાગી રહ્યું છે કે એ પૈસા કર્નલ પુરોહિતે તેમના ઘરના કન્સ્ટ્રક્શન પાછળ વાપર્યા છે. એવા પણ કોઈ પુરાવા નથી જેનાથી કહી શકાય કે કર્નલ પુરોહિતે એક્સપ્લોઝિવ ટ્રાન્સપોર્ટ કર્યા, તેમના ઘરમાં રાખ્યા અને એના વડે બૉમ્બ બનાવ્યો.’