કોને વાંકે ડામ મુંબઈગરાને?

05 August, 2022 08:52 AM IST  |  Mumbai | Shirish Vaktania

મૉલદીવ્સના પ્રમુખની ફિલ્મસિટીની મુલાકાતની ભયંકર ટ્રાફિક જૅમ રૂપમાં સજા મળી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પ્રવાસ કરનારા મુંબઈગરાઓને : કલાકો સુધી ફસાયા

ગોરેગામના હબ સિનેમા સામે હદ ઉપરાંતનો ટ્રાફિક જૅમ થયો હતો (તસવીર : સમીર માર્કન્ડે)

બાંદરાથી ગોરેગામ સુધીના રસ્તા પર ગઈ કાલે પીક-અવર્સ દરમ્યાન ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો, કારણ કે મૉલદીવ્ઝના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહે ગોરેગામની ફિલ્મસિટીની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે કેટલાક ફોટો પાડ્યા હતા. એક વીવીઆઇપી ગેસ્ટની મુલાકાતને લીધે મોટી સંખ્યામાં લોકોએ ત્રણ કલાક સુધી ટ્રાફિક જૅમમાં ફસાવું પડ્યું હતું. પોલીસે વિવિધ સ્થળોએ વીવીઆઇપીની સલામતી માટે આડશ મૂકી હતી. બુધવારે પોલીસ વિભાગ દ્વારા સોશ્યલ મીડિયામાં આ સંદર્ભે માહિતી આપી હતી, પરંતુ કોઈએ એને ધ્યાનમાં લીધી ન હોવી જોઈએ. મૉલદીવ્ઝના રાષ્ટ્રપતિ બે દિવસની મુંબઈની મુલાકાતે આવ્યા છે. બુધવારે તેમણે નેહરુ પોર્ટ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી તથા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને ગઈ કાલે તેમનો ફિલ્મસિટીની મુલાકાતનો કાર્યક્રમ હતો. એને લીધે પોલીસે બપોરે ૩થી રાતે ૮ વાગ્યા સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિવિધ આડશ મૂકી હતી. 
એકતા જૈન નામની ઍક્ટરે કહ્યું કે ‘સામાન્ય દિવસોમાં મને ગોરેગામથી અંધેરી જતાં ૪૫ મિનિટ લાગે છે, પરંતુ ગઈ કાલે હું ફિલ્મસિટી રોડ પર ૪૫ મિનિટ સુધી ફસાઈ ગઈ હતી. ગોરેગામ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પહોંચતાં જ મને એક કલાક લાગ્યો હતો.’  

mumbai mumbai news maldives western express highway shirish vaktania