ડેન્ગીથી પતિના મૃત્યુ બાદ પત્ની અને પુત્રીને નાયર હૉસ્પિટલમાં ખસેડાયાં

09 December, 2012 07:42 AM IST  | 

ડેન્ગીથી પતિના મૃત્યુ બાદ પત્ની અને પુત્રીને નાયર હૉસ્પિટલમાં ખસેડાયાં




ડેન્ગીને કારણે માલવણીમાં રહેતા ૩૨ વર્ષના તારિક જાફરીના મૃત્યુના બે દિવસ પછી તેની પત્નીને ડેન્ગી હોવાનું જાણવા મળતાં તેને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. જોકે પછી તેની ચાર વર્ષની પુત્રી તસનીમ તથા ૩૦ વર્ષની પત્ની શકિલાને નાયર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તસનીમની હાલત ગંભીર હોવાથી તેને હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તસનીમને પણ ડેન્ગી જ થયો હતો, જેની સારવાર આ જ હૉસ્પિટલના પીડિયાટ્રિક આઇસીયુમાં જ કરવામાં આવતી હતી; પરંતુ શુક્રવારે સાંજે સાડાસાત વાગ્યે તેને નાયર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

તસનીમની કાકી મોમિના ખાને કહ્યું હતું કે ‘તસનીમને લીવરમાં સોજો આવ્યો હતો. તેને નાયર હૉસ્પિટલના આઇસીયુમાં ઑક્સિજન પર રાખવામાં આવી છે.  તેની હાલત ગંભીર છે. તે સારી થાય એવી દુઆ અમે માગી રહ્યા છીએ, જ્યારે મારી ભાભી શકિલાને નાયર હૉસ્પિટલના જનરલ વૉર્ડમાં ઍડ્મિટ કરવામાં આવી છે.’

નાયર હૉસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સંદીપ બાવડેકરે કહ્યું હતું કે ‘તસનીમને શ્વાસોચ્છ્વાસની તકલીફ છે તથા જમણી બાજુની છાતીમાં પ્રવાહીનો ભરાવો થયો છે. પ્લેટલેટ્સની સંખ્યા ઘણી ઓછી થઈ જતાં તેને લોહીના બાટલા ચડાવવામાં આવ્યા હતા.’

બુધવારે તારિક જાફરીના મૃત્યુ પછી સુધરાઈના કર્મચારીઓએ મલાડ (વેસ્ટ)ના માલવણીમાં આવેલી મ્હાડા કૉલોની વિસ્તારમાં ફૉગિન્ગ કર્યું હતું.

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ, મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી