જુહુ, વર્સોવા અને પાર્લામાં મલેરિયાની રસી આપવાનું કૌભાંડ

10 November, 2011 08:39 PM IST  | 

જુહુ, વર્સોવા અને પાર્લામાં મલેરિયાની રસી આપવાનું કૌભાંડ

 

મલેરિયાની રસીને નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓનું એક રૅકેટ જુહુ, વર્સોવા તથા વિલે પાર્લે વિસ્તારમાં બહાર આવ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં ૩૦૦ જેટલાં બાળકોને આવી રસી આપવામાં આવી હતી. દુનિયામાં ક્યાંય હજી મલેરિયાની રસી આપવામાં નથી આવતી. સાંતાક્રુઝ (વેસ્ટ)માં ક્લિનિક ધરાવતા ડૉ. વસંત શેનોયે કહ્યું હતું કે ‘તાજેતરમાં ચાર વર્ષના મોહમ્મદ જૈફ શેખને મલેરિયા થયો હતો. તેના પિતા યુસુફ આ વાતને માનવા તૈયાર જ ન્હોતા, કારણ કે તેને મલેરિયા સામેની રસી અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. વળી જૈફ જેવાં અનેક બાળકોને આ રસી અપાઈ હતી. કેટલીક લેભાગુ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાનો જૂનો રસીનો માલ વેચવા માટે જ આવા કૅમ્પો આયોજિત કરતી હોય છે. આવા કૅમ્પમાં રસી અપાવનારા વાલીઓ તેમનાં સંતાનોને મલેરિયા નહીં થાય એવા ખોટા ભરોસામાં રાચતા હોય છે. આમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. મલેરિયા જ નહીં, હેપેટાઇટિસ તથા થાઇરૉઇડ જેવા રોગોની બોગસ રસી મૂકવાના કૅમ્પો પણ લેભાગુ લોકો દ્વારા ચાલતા હોય છે. આવા લોકોની સચ્ચાઈ જાણવા માટે તેમનો રજિસ્ટ્રેશન નંબર જોવા માટે લોકોને કહેવામાં આવ્યું છે. મલેરિયાના આવા જ કૅમ્પ કરતા અંધેરીના ભૂતપૂર્વ કૉર્પોરેટર મોહસિન હૈદરે કહ્યું હતું કે મેં અગાઉ લોકોની ભલાઈ માટે આવા કૅમ્પ યોજ્યા હતા, પરંતુ સચ્ચાઈની ખબર પડતાં આ વિશે વૉર્ડ-ઑફિસમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. 

વર્સોવા વિસ્તારમાં કેટલાક લોકો ઘરે-ઘરે ફરીને મલેરિયાની રસી મુકાવવા ૧૦ રૂપિયાનું ફૉર્મ ભરીને નામ રજિસ્ટર કરવા જણાવતા હતા, ત્યાર બાદ ૫૦ રૂપિયામાં આ રસી મૂકવામાં આવતી હતી. રસીની જગ્યાએ લોકોને ડિસ્ટિલ વૉટર આપવામાં આવતું હતું. આવા કૅમ્પોમાં ઘણી જગ્યાએ ઉતાવળમાં રસી માટેની સોય પણ બદલવામાં ન આવતાં લોકો રોગનો ભોગ બનતા હોય છે.’