મલાડની ગેરકાયદે સ્કૂલ કેમ તૂટતી નથી?

15 November, 2011 08:20 AM IST  | 

મલાડની ગેરકાયદે સ્કૂલ કેમ તૂટતી નથી?



(અકેલા)


મુંબઈ, તા. ૧૫

પોતાની વોટબૅન્ક સાચવવા ઘણી વાર રાજનેતાઓ જ ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન આપતા હોય છે એવી વાતો આપણે સામાન્ય રીતે સાંભળતા આવ્યા છીએ. જોકે આવું જ કંઈક લેખિત સાબિતી સાથે મળે તો નવાઈ જ કહેવાય. કૉન્ગ્રેસી નેતા અને વિધાનસભ્ય રાજહંસ સિંહ તથા લોકલ કૉર્પોરેટર અજિત રાવરાણેએ મલાડ (ઈસ્ટ)માં હીરા પાર્ક વિસ્તારની લીલાવતી ઇંગ્લિશ સ્કૂલના ગેરકાયદે બાંધકામને તોડવાના સુધરાઈના કાર્યને ઢીલમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ અસદ પટેલને આ તમામ ડૉક્યુમેન્ટ્સ સુધરાઈએ જવાબમાં આપ્યા હતા. સુધરાઈએ ૨૦૦૭ની ૨૯ નવેમ્બરે સ્કૂલે કરેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવા તાકીદ કરી હતી, પરંતુ ચાર વર્ષ વીતી ગયાં હોવા છતાં કોઈ કાર્ય ન થતાં આરટીઆઇ ઍક્ટિવિસ્ટે આ વિશે કારણો પૂછ્યાં હતાં. એના જવાબમાં ૩ માર્ચ ૨૦૧૧ના રોજ સુધરાઈએ આવાં કોઈ ગેરકાયદે બાંધકામની જાણકારી ન હોવાનું કહ્યું હતું એટલે અસદે ૨૯ સપ્ટેમ્બરે આરટીઆઇની હાયર ઑથોરિટીને પૂછતાં સુધરાઈએ રાજહંસ સિંહ તથા લોકલ કૉર્પોરેટર અજિત રાવરાણેએ લખેલા કાગળ બતાવ્યા હતા. એમાં બન્નેએ સુધરાઈને સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાની વિનંતી કરતા પત્રો લખ્યા હતા. ‘મિડ-ડે’ પાસે આવેલા આ પત્રોમાં આ બન્ને નેતાઓએ સુધરાઈને પોતાના કામમાં માનવીય ધોરણે ઢીલ કરવા જણાવ્યું હતું. સ્થાનિક કૉર્પોરેટર અજિત રાવરાણેએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે મેં એવું કોઈ દબાણ નહોતું કર્યું, માત્ર વિનંતી કરી હતી.

અજિત રાવરાણેએ સુધરાઈને પત્રમાં સ્કૂલ સાથે કો-ઑપરેટ કરવાની વિનંતી પણ કરી હતી. આ પત્રની કૉપી ‘મિડ-ડે’ પાસે છે.આજની તારીખ સુધી સુધરાઈએ સ્કૂલને ક્લીન-ચિટ આપી નથી. બીજી બાજુ અજિત રાવરાણેએ બચાવમાં કહ્યું હતું કે મેં સુધરાઈને માત્ર પત્ર લખ્યો હતો, દબાણ કર્યું નહોતું.

આ મુદ્દે રાજહંસ સિંહે ‘મિડ-ડે’ના કૉલનો જવાબ આપ્યો નહોતો અને સ્કૂલના ચૅરમૅન કે. આર. તિવારીએ કમેન્ટ આપવાની ના પાડી હતી.