સરોજ પટેલની હત્યાના કેસમાં પુરાવા મજબૂત

30 September, 2011 08:41 PM IST  | 

સરોજ પટેલની હત્યાના કેસમાં પુરાવા મજબૂત


અંકિતા શાહ,


મલાડ-વેસ્ટના નરસિંગ લેનમાં આવેલા વિશાલ કૉમ્પ્લેક્સના બીજા માળે રહેતાં ૬૭ વર્ષનાં સરોજ પટેલના ૧૬ સપ્ટેમ્બરે થયેલા મર્ડરકેસમાં બે સ્ટુડન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમની એક્ઝામ આવી રહી હોવાથી જામીનની ઍપ્લિકેશન કરવામાં આવતાં કોર્ટ દ્વારા એ મંજૂર કરવામાં આવી હતી. જોકે પોલીસ આ કેસમાં ઇન્વેસ્ટિગેશન દરમ્યાન મળેલા પુરાવા, સ્ટેટમેન્ટ અને માલમતા એમ બધું ભેગું કરીને કેસ સ્ટ્રૉન્ગ બનાવીને લડત લડવાના મૂડમાં છે.

મર્ડરકેસમાં બન્ને ટીનેજરને જામીન મળી ગયા હોવા વિશે ઍડિશનલ કમિશનર રામરાવ પવારે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘મોટા ભાગના કેસોમાં જેમ કરવામાં આવે છે એ રીતે આ કેસમાં પણ વધુમાં વધુ પુરાવા ભેગા કરવામાં આવશે, જેથી કેસ સ્ટ્રૉન્ગ બને. જેનાથી મર્ડર કરવામાં આવ્યું એ હથિયાર, અમુક લોકોનાં સ્ટેટમેન્ટ, ઘરમાંથી મળેલા અમુક પુરાવા, ચોરાયેલી માલમતાને જપ્ત કરવી અને બીજી માહિતીઓને ભેગી કરવામાં આવશે.’

સરોજબહેનનો પૌત્ર શ્રેણિક (નામ બદલ્યું છે) અને તેના મિત્રને ડોંગરીના બાળસુધારગૃહમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને ૨૫,૦૦૦ રૂપિયાની શ્યૉરિટી પર જામીન મળ્યા હતા. આ કેસની સુનાવણી હવે સોમવારે છે. જુવેનાઇલ કોર્ટમાં ફાઇલ કરેલી જામીનઅરજીમાં જણાવવામાં આવ્યું હતું કે દસેક દિવસમાં બન્ને જણની જુનિયર કૉલેજની એક્ઝામ શરૂ થવાની છે એને કારણે જો તેઓ બાળસુધારગૃહમાં રહેશે તો તેમના ભણતરને અસર થશે. શ્રેણિક કાંદિવલીમાં આવેલી કૉલેજમાં બાયફોકલ સાયન્સમાં મેકૅનિકલ મેઇન્ટેનન્સનું ભણે છે, જ્યારે તેનો મિત્ર જુહુની એક કૉલેજમાં અગિયારમામાં કૉમર્સનું ભણે છે. જોકે જુવેનાઇલ કોર્ટે બન્ને છોકરાઓને રેગ્યુલર ડોંગરીના બાળસુધારગૃહમાં રોજ સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગ પર જવાનો આદેશ આપ્યો હતો.

પાલીસે બન્ને ટીનેજરની ૧૯ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. શ્રેણિક અને તેનો મિત્ર નાનપણથી જ સારા મિત્ર છે અને તેઓ સાથે સ્કૂલમાં ભણ્યા છે એટલે તેમની વચ્ચે સારીએવી દોસ્તી હતી. પોલીસના જણાવ્યા મુજબ તેમણે એક મહિના પહેલાં જ મર્ડર કરવાનું પ્લાનિંગ કરી દીધું હતું. તેમણે બાઇક લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની પાસેથી કુલ મળીને ૫,૧૪,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને જ્વેલરી જપ્ત કરી હતી.