આને કહેવાય નસીબનો બળિયો

11 March, 2017 03:48 AM IST  | 

આને કહેવાય નસીબનો બળિયો

જયેશ શાહ

વિરારથી ચર્ચગેટ તરફ જઈ રહેલી એક ફાસ્ટ લોકલ મલાડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પરથી ગઈ કાલે બપોરે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક યુવાન ટ્રૅક પર પડ્યો હતો. ટ્રેનના મોટા ભાગના કોચ પસાર થઈ ગયા બાદ ટ્રેન ઊભી રહી ત્યારે તે યુવાન ટ્રેન નીચેથી સહીસલામત બહાર નીકYયો ત્યારે પ્લૅટફૉર્મ પર હાજર રહેલા પૅસેન્જરો બોલી ઊઠ્યા હતા... અરે આ તો બચી ગયો. 

શું હતી ઘટના?

મલાડ સ્ટેશન પર બપોરે ૧.૦૫ વાગ્યે ચર્ચગેટ તરફ જઈ રહેલી એક ફાસ્ટ લોકલ ટ્રેન પ્લૅટફૉર્મ-નંબર ચાર પરથી પસાર થઈ રહી હતી. ફાસ્ટ લોકલનું અહીં સ્ટૉપ નહોતું, પરંતુ આ યુવાન અચાનક ટ્રૅક પર પડતાં આ ટ્રેન થંભી ગઈ હતી. યુવકે ટ્રૅક પર કૂદકો માર્યો કે પછી તે પડી ગયો એની કોઈને ખબર નથી. તે ટ્રૅક પર પડ્યો ત્યારે પ્લૅટફૉર્મ-નંબર ચાર પર કોઈ પોલીસવાળા નહોતા.

ટ્રેન ઊભી રહી કે તરત જ અનાઉન્સમેન્ટ થઈ હતી કે RPF, GRP અને હમાલ તરત જ ચાર નંબરના પ્લૅટફૉર્મ પર પહોંચે, પરંતુ તેઓ ઘટનાસ્થળ પર પહોંચે એ પહેલાં આ યુવાન ટ્રેન નીચેથી સલામત નીકળી ફુટઓવર બ્રિજ પર પહોંચી ગયો હતો. સ્ટેશન-માસ્ટર અને ચાર હમાલ સ્ટ્રેચર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ૧૦ મિનિટ કરતાં વધુ સમય બાદ ટ્રેન રવાના થઈ હતી. 

આ યુવાન કોણ?

મલાડ સ્ટેશન પર આ ઘટના બની એ સમયે ‘મિડ-ડે’ના પત્રકાર હાજર હતા. તરત જ ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો તે યુવાન ઓવરબ્રિજ પરથી મલાડ (ઈસ્ટ) તરફ જઈ રહ્યો હતો. એ સમયે અમુક પૅસેન્જરોએ પોલીસને ઇશારો કરી યુવાનને બતાવ્યો પણ હતો. આ યુવાને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું મલાડ (ઈસ્ટ)માં રહું છે અને મારું નામ દિલીપ જૈન છે. મારો જમણો પગ કૃત્રિમ છે એના કારણે મેં પ્લૅટફૉર્મ પરથી બૅલૅન્સ ગુમાવી દીધું હતું અને પાટા પર પડી ગયો હતો.’

 આ ઘટનાને નજરે નિહાળનાર પૅસેન્જરોએ જણાવ્યું હતું કે પ્લૅટફૉર્મ-નંબર ચાર અને ટ્રૅક વચ્ચેની જગ્યામાં આ યુવાન એવી રીતે પડ્યો હતો કે ટ્રેન પસાર થઈ જવા છતાં તે બચી ગયો એ ચમત્કાર જ છે.

તસવીરો : જયેશ શાહ