જન્મદિવસનું કર્યું અનોખું સેલિબ્રેશન

20 September, 2022 10:21 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મલાડની જૈન મહિલાએ આ દિવસે એક્સરસાઇઝ કરીને હેલ્થ ઇઝ વેલ્થ મંત્રને જીવનમાં અનુસરવાનો લોકોને આપ્યો સંદેશ : કેક કાપવાને બદલે કલાકો સ્વિમિંગ કરીને બર્થ-ડે ઊજવ્યો

મલાડની મહિલાએ કેક કાપવાને બદલે ​કલાકો સ્વિમિંગ કરીને જન્મદિવસ ઊજવ્યો

‘હેલ્થ ઇઝ વેલ્થ’ એ વાત આપણે લોકો વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ એના પર અમલ ભાગ્યે જ થતો હોય છે. જોકે આજના ભાગદોડવાળા જીવનમાં હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી થઈ ગયું છે. એથી જન્મદિવસ હોય કે રોજનું રૂટીન જીવન, એક્સરસાઇઝ ઇઝ મસ્ટ અને એ કરીને હેલ્ધી રહેવું એવો સંદેશ આપવા મલાડ-વેસ્ટના આદર્શનગરમાં રહેતાં ૫૬ વર્ષનાં સીમા વોરાએ કંઈ અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. લોકો રાતના ૧૨ વાગ્યે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઊજવતા હોય છે ત્યારે આ જૈન મહિલાએ કલાકો સ્વિમિંગ કરીને જન્મદિવસ ઊજવ્યો હતો.

આ વિશે વધુ માહિતી આપતાં મલાડમાં રહેતાં અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું કામકાજ કરતાં સીમા વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું છેલ્લાં દસેક વર્ષથી સ્વિમિંગ કરું છું અને અનેક નાની-મોટી સ્પર્ધામાં પણ ભાગ લીધો છે. હેલ્થ જાળવવી એ ખૂબ મહત્ત્વની છે. લોકો હેલ્થ પર પણ એટલું જ ધ્યાન આપે એ ઉદ્દેશથી મેં મારો જન્મદિવસ અલગ રીતે ઊજવ્યો હતો. મારો રવિવારે જન્મદિવસ હતો અને એ રાતે ૧૨ વાગ્યે કેક કાપીને ઊજવવામાં આવે છે. જોકે મેં એમ કર્યું નહોતું. ડોમ્બિવલી પાસે આવેલી પલાવા સિટીમાં ઑલિમ્પિક્સમાં હોય એ સાઇઝનો સ્વિમિંગ-પૂલ છે. ત્યાં Dusk to Dawn 2022 નામની સ્પર્ધામાં ૧૨ કલાક નાઇટ સ્વિમિંગમાં મેં ભાગ લીધો હતો. મારી હું અને અન્ય ચાર મહિલાઓની ટીમ હતી. રાતના આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી એમ ૧૨ કલાક અમારી ટીમ એક કલાક સ્વિમિંગ રિલે કરતી હતી. રાતના ૧૨ વાગ્યે હું સ્વિમિંગ-પૂલમાં સ્વિમ કરતી હતી. મિત્રોને મારા જન્મદિવસની જાણ હતી એટલે સ્પર્ધા બાદ તેમણે મારો જન્મદિવસ સાદાઈથી ઊજવ્યો હતો.’

mumbai mumbai news malad happy birthday preeti khuman-thakur