મલાડમાં રોડછાપ રોમિયોના ત્રાસ સામે પબ્લિકનું રસ્તારોકો

10 October, 2011 08:40 PM IST  | 

મલાડમાં રોડછાપ રોમિયોના ત્રાસ સામે પબ્લિકનું રસ્તારોકો



અંકિતા શાહ

મલાડ, તા. ૧૦

મલાડ (ઈસ્ટ)ના હાજી બાપુ રોડ પર દેવચંદનગરની પોસ્ટઑફિસની સામે આવેલા પાનના ગલ્લા પર બેસતા બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના કાર્યકર્તાના ભાઈ રોજ આ રોડ પરથી પસાર થતી યુવતીઓની સાથે ખરાબ ફ્રેન્ડશિપ કરવા હેરાન કરતા હોવાની અને ખરાબ કમેન્ટ પાસ કરતા હોવાનો આરોપ સ્થાનિક લોકોએ કર્યો હતો. ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે ત્રણ છોકરીઓ દેરાસર જઈ રહી હતી ત્યારે પાનના ગલ્લા પર બેસેલા યુવક સુશીલ મિશ્રાએ કમેન્ટ પાસ કરી હતી અને તેમની પાછળ-પાછળ જઈ ફ્રેન્ડશિપ કરવા માટે પ્રેશર કર્યું હતું. આ વાતની જાણ છોકરીઓએ તેમના પેરન્ટ્સને કરતાં પબ્લિક પણ તેમને સર્પોટ આપવા રોડ પર ઊતરી આવી હતી. આ ધમાલને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચવું પડયું હતું. પોલીસે આ બાબતે સુધીર અને તેના સાથીદાર વિરુદ્ધ વિયનયભંગના ગુના સાથે એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મે‍શન રિપોર્ટ) નોંધી હતી.

પાનના ગલ્લા પર અડ્ડો

આ વિશે હાજી બાપુ રોડ પર જ આવેલા શ્રી રામ કુંજ બિલ્ડિંગમાં રહેતી ૧૨ વર્ષની છોકરીના પિતા ભાવેશ વખારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ ફ્રેન્ડ્સ ભેગી થઈને દેરાસર જઈ રહી હતી ત્યારે સુશીલ મિશ્રા પાનના ગલ્લા પર બેઠો હતો. યુવતીઓ ત્યાંથી ચાલીને જઈ રહી હતી અને રોજની જેમ આ લોકો ખરાબ ભાષામાં વાતો કરતા હતા અને ચિડાવતા હતા. આવું પહેલી વાર નથી બન્યું, છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી મારી દીકરીને આ રીતે હેરાન કરવામાં આવી રહી છે.’


આ વિશે ભાવેશના ભાઈ હિતુ વખારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકલ બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના કાર્યકર્તા સંદીપ મિશ્રાનો ભાઈ સુધીર છે. આને કારણે પોલીસ ફરિયાદ લેતી નહોતી. આ યુવાનો ‘મુઝસે દોસ્તી કરેગી’ એવું કહીને ફાલતુ કમેન્ટ કરતા હોય છે અને તેની પાછળ-પાછળ જઈને સતાવતા હોય છે. છેલ્લા છ મહિનાથી આ લોકો આવું કરતા આવ્યા છે, પણ છેલ્લા થોડા વખતથી આ વધી ગયું હોવાથી અહીં રહેતા રહેવાસીઓ કંટાળી ગયા હતા.’

છ મહિનાથી હેરાનગતિ

આ વિશે શ્રી રામ કુંજમાં રહેતાં રક્ષા સંઘવીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે જે થયું એ પહેલી વાર નથી. આ પહેલાં પણ આ યુવકોએ યુવતીઓને ફોન કરી-કરીને હેરાન કરી નાખી છે. એક વખત તો દેવચંદનગરમાં જ રહેતી યુવતીની પાછળ-પાછળ જોગેશ્વરી સુધી યુવકો ગયા હતા. ગઈ કાલે કંટાળીને બધા ભેગા થયા ત્યારે ખબર પડી કે આવું તો અહીં રહેતી ઘણી છોકરીઓ સાથે બન્યું છે. છેલ્લા છ મહિનાથી આ બનતું આવ્યું છે. આને કારણે બધા રોડ પર આવી ગયા હતા અને મહિલાઓએ મળીને રસ્તારોકો કર્યું હતું. આ એરિયામાં પાનનો ગલ્લો, ચાવાળાની દુકાન અને દારૂની દુકાન છે આથી રોજ ઘણા લોકો આવીને ઊભા હોય છે અને પોતાનો અડ્ડો બનાવીને રાખ્યો છે. અહીં વેહિકલનું પાર્કિંગ કરીને ઊભેલા લોકો દ્વારા હેરાનગતિ થતી હોય છે. આ ત્રણેય દુકાનો બંધ કરાવવી જોઈએ, જેથી ન્યુસન્સ ઓછું થાય.’

બન્નેની જલદી જ ધરપકડ કરવામાં આવશે


દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક કાકડેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે યુવતીના પિતાનું સ્ટેટમેન્ટ લીધું છે અને બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપી સુશીલ મિશ્રા અને તેના સાથીદાર સંદીપ મિશ્રા બન્નેને જલદી જ પકડી લેવામાં આવશે.’

આવું જરાય ચલાવી લેવામાં નહીં આવે : નિરુપમ

હાલમાં પટના ગયેલા ઉત્તર મુંબઈના સંસદસભ્ય સંજય નિરુપમને આ ઘટનાની જાણ થઈ હતી. કૉન્ગ્રેસના કાર્યકરો અને કાંદિવલી (ઈસ્ટ)ના વિધાનસભ્ય રમેશસિંહ ઠાકુર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ વિશે સંજય નિરુપમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આવું જરાય ચલાવી લેવામાં નહીં આવે. અમુક યુવકો નશામાં આ રીતે છોકરીઓને હેરાન કરે એ ખરાબ વાત છે. જરૂર પડશે તો જે પાનના ગલ્લા પાસે ઊભા રહીને તેઓ છોકરીઓને ત્રાસ આપતા હશે એ પણ તોડી પાડવામાં આવશે.’