03 May, 2025 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૩૬ વર્ષનો દર્શન મુંધવા
મલાડના માલવણી નંબર પાંચમાં રહેતો ૩૬ વર્ષનો દર્શન મુંધવા મંગળવારે બપોરે અઢી વાગ્યે ઘરે પત્નીને એમ કહી નીકળી ગયો હતો કે હું મુંબઈ સેન્ટ્રલ મોટા ઘરે જઈને આવું છું. એ પછી અંદાજે દોઢ કલાક બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો અને તેનો પત્તો લાગ્યો નથી. તેના પરિવારજનો, સગાંસંબંધીઓ, મિત્રો બધા તેને શોધી રહ્યાં છે. માલવણી પોલીસમાં તે મિસિંગ હોવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જોકે એમ છતાં તેની કોઈ ભાળ ન મળતાં પરિવાર ચિંતામાં છે.
મૂળ સૌરાષ્ટ્રના બોટાદની બાજુના બરવાળાના અને અત્યારે મલાડમાં રહેતા દર્શન વિશે માહિતી આપતાં તેના પિતરાઈ ભાઈ કિરણ મુંધવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર્શન પત્ની સાથે માલવણી નંબર પાંચમાં રહે છે. તેમને બાળકો નથી. તે મેટ્રો રેલવેમાં સુપરવાઇઝર હતો. તેના પપ્પાનું વર્ષો પહેલાં અવસાન થયું છે અને મમ્મીની તબિયત પણ સારી નથી. મંગળવારે બપોરે અઢી વાગ્યે તે ઘરેથી અમારા મુંબઈ સેન્ટ્રલના મોટા ઘરે જવા નીકળ્યો હતો. તેને એક આદત હતી કે તે બૅન્કની પાસબુક, ચેકબુક અને મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ હંમેશાં સાથે જ રાખતો. તેની એક બૅગમાં એ બધું રહેતું અને એ બૅગનું હંમેશાં તે ધ્યાન રાખતો હતો. તે ઘરેથી નીકળ્યો એના દોઢ કલાક પછી તેનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતો હતો એટલે તેની પત્ની ચિંતામાં હતી અને તેણે મને જાણ કરી હતી. અમે પણ તેને કૉલ કર્યા હતા, પણ કોઈ જવાબ નહોતો મળ્યો. તેનો મોબાઇલ બંધ છે અને તે પણ ગાયબ છે. ત્યાર બાદ અમારાં સગાંસંબંધી, તેના મિત્રો એમ બધાને ફોન કરીને પૂછપરછ કરી પણ તેનો કોઈ અતોપતો નહોતો લાગ્યો. અમે કલાકો સુધી શોધખોળ કર્યા છતાં તે ન મળતાં આખરે માલવણી પોલીસ-સ્ટેશને તે મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે અમે તેને શોધી રહ્યા છીએ. પોલીસ અમને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ દેખાડતી નથી. અમે તેમને રિક્વેસ્ટ કરી છે કે તેનું લાસ્ટ લોકેશન અમને કાઢી આપો, ઍટ લીસ્ટ અમે તપાસ તો કરીએ. અમે કદાચ તેનો ઍક્સિડન્ટ થયો હોય એવું વિચારીને શતાબ્દી, કૂપર, નાયર જેવી હૉસ્પિટલમાં જઈને તપાસ કરી આવ્યા, પણ એવો કોઈ કેસ તેમની પાસે આવ્યો નથી. અમે બધા ચિંતામાં છીએ.’
જો કોઈને દર્શન વિશે કોઈ પણ માહિતી મળે તો આ નંબર પર સંપર્ક કરશો
કિરણ મુંધવા - ૯૦૨૨૮ ૮૨૮૦૦
શીતલ મુંધવા - ૯૯૬૭૧ ૮૭૮૭૩