મલાડમાં ગાર્મેન્ટના વેપારીના ૧૦ લાખ રૂપિયા ભરરસ્તે લૂંટાઈ ગયા

23 March, 2017 04:07 AM IST  | 

મલાડમાં ગાર્મેન્ટના વેપારીના ૧૦ લાખ રૂપિયા ભરરસ્તે લૂંટાઈ ગયા


મલાડ (વેસ્ટ)માં SV રોડ પર છેલ્લા એક અઠવાડિયામાં કૅશની લૂંટની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. રેડીમેડ ગાર્મે‍ન્ટના ૬૭ વર્ષના વેપારી તેમની શૉપમાંથી રાતે ઘરે જઈ રહ્યા હતા ત્યારે ન્યુ ઈરા ટૉકીઝની સામે ભરચક ટ્રાફિકવાળા રોડ પર સોમવારે રાતે બે લૂંટારાઓ ૧૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ પહેલાં SV રોડ પરથી એક વેપારીના ૧૨ લાખ રૂપિયા લૂંટનારા આરોપી હજી ઝડપાયા નથી. મલાડ પોલીસ આ સમગ્ર મામલામાં આ રોડ પરના CCTV  કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે.

કઈ રીતે બની ઘટના?

આનંદ રોડ પરના રેડીમેડ ગાર્મે‍ન્ટના વેપારી લલિત કંવરજાનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી રેડીમેડ ગાર્મે‍ન્ટની શૉપ નીલકંઠ અપૅરલ્સનું સંચાલન કરતા મારા મોટા ભાઈ પ્રદીપનો ફોન આવ્યો કે કૅશ કેટલી પડી છે. તેમના ઘરમાં ફર્નિચરનું કામ ચાલુ હોવાથી કારીગરોને પેમેન્ટ કરવાનું હતું. પ્રદીપભાઈની શૉપની સામે જ મારી ડિફરન્ટ ક્લોધિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની રેડીમેડ ગાર્મે‍ન્ટની શૉપ છે અને અમે સંયુક્ત રીતે ભાઈઓ વેપાર કરીએ છીએ. મેં સોમવારે રાતે ૨૦૦૦ રૂપિયાની નોટનાં પાંચ બડલ આપ્યાં હતાં. તેઓ દરરોજની જેમ કાંદિવલી (ઈસ્ટ)માં ઠાકુર કૉમ્પ્લેક્સમાં તેમના ઘરે જઈ રહ્યા હતા. પ્રદીપભાઈ શૉપમાંથી રોડસાઇડમાં અમારા ગોડાઉન પાસે પાર્ક કરેલી કારમાં બેસવા જઈ રહ્યા હતા. ડ્રાઇવર કારને લઈને આવે એની રાહ જોઈને આશરે રાતે આઠ વાગ્યે તેઓ કૅશ પ્લાસ્ટિકની બૅગમાં રાખીને છાતીસરસી રાખીને ન્યુ ઈરા ટૉકીઝ પાસે ડિવાઇડર પાસે ઊભા હતા. તેમની આસપાસ એ જ સમયે આશરે ૨૮થી ૩૦ વર્ષની ઉંમરના સાડાપાંચ ફુટ હાઇટ ધરાવતા બે જણ ઊભા રહી ગયા હતા અને લાગ જોઈને કૅશ ભરેલી બૅગ ઝૂંટવી લીધી હતી. મોટા ભાઈ પ્રદીપ કંવરજાની ડાયાબિટીઝના દરદી છે અને આ ઓચિંતી તરાપથી અવાક બની ગયા હતા. તેઓ કંઈ સમજે એ પહેલાં લૂંટારાઓ નાસી ગયા હતા. આ ઘટના વિશે અમે મલાડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’

લૂંટની નવી કાર્યપદ્ધતિ

લૂંટારાઓ લૂંટ કરવા માટે અવનવી કાર્યપદ્ધતિ અપનાવી રહ્યા છે. સોમવારે થયેલી લૂંટમાં પણ લૂંટારાઓએ નવી પદ્ધતિ અપનાવી હતી એ વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘ગાર્મે‍ન્ટના વેપારી કૅશ લઈને તેમની કારની રાહમાં ડિવાઇડર પર ઊભા હતા એ સમયે એક જણ જમણી તરફ અને એક જણ ડાબી તરફ ગોઠવાઈ ગયો હતો. એક જણે લાગ જોઈને વેપારીના હાથમાંથી કૅશ ભરેલી બૅગ લૂંટીને હિન્દી ભાષામાં બોલવા લાગ્યો હતો, વો જા રહા હૈં... એ સમયે બેમાંથી એક લૂંટારો ભાગી રહ્યો હોય છે. એટલે તમામ લોકોનું ધ્યાન એ તરફ દોરાય છે એટલે જેના હાથમાં કૅશ હોય છે એ લૂંટારો પણ સરળતાથી ભાગી જાય છે.’

પોલીસનું શું કહેવું છે?

મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર મહાડિકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૬૭ વર્ષના પ્રદીપ કંવરજાનીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સોમવારે રાતે ૮ વાગ્યે ૧૦ લાખ રૂપિયાની કૅશ લૂંટારાઓ લૂંટી ગયા છે. આ વિશે અમે આ રોડ પરના CCTV કૅમેરાનું ફુટેજ તપાસી રહ્યા છીએ. પ્રાથમિક તપાસ મુજબ આ લૂંટમાં બેથી ત્રણ આરોપીઓ સામેલ છે. લૂંટારાઓને વેપારી કૅશ લઈને જઈ રહ્યો છે એ વિશે અગાઉથી માહિતી મળી ગઈ હોય એવું જણાય છે.’