મલાડથી દહિસરના હિન્દુ સમાજ માટેની વિનામૂલ્ય શબવાહિની આશીર્વાદરૂપ

14 October, 2011 08:40 PM IST  | 

મલાડથી દહિસરના હિન્દુ સમાજ માટેની વિનામૂલ્ય શબવાહિની આશીર્વાદરૂપ



મલાડ-કાંદિવલી-બોરીવલી-દહિસરના સમગ્ર હિન્દુ સમાજ માટે પાર્થિવ દેહને ઘરથી સ્મશાન સુધી લઈ જવા મોક્ષવાહિનીની સંપૂર્ણપણે વિનામૂલ્ય સેવા શરૂ કરવામાં આવી છે. બોરીવલી-વેસ્ટમાં આવેલા પ્રબોધન ઠાકરે હૉલમાં આ મોક્ષવાહિનીનું ઉદ્ઘાટન જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું હતું. એ વિશે માહિતી આપતાં દશા સોરઠિયા વણિક ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડન્ટ રમેશ જનાણીએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘૩૦૦થી પણ વધુ પરિવારના લોકોએ આ સેવાનો લાભ લીધો છે. અમુક વાર દિવસમાં ત્રણ વાર મોક્ષવાહિનીની મદદ માટે ફોન આવતા હોય છે, જ્યારે અમુક દિવસો ખાલી પણ જતા હોય છે; કારણ કે આ સેવા હાલમાં દહિસરથી મલાડના સ્ટ્રેચમાં જ આપવામાં આવતી હોય છે. જોકે હજી આ વિશે અમુક લોકોને જાણ ન હોવાથી હવે અમે સ્મશાનની બહાર મોક્ષવાહિની બાબતે હોર્ડિંગ્સ લગાવવાના છીએ, જેમાં આ સેવા બાબતે માહિતી અને કૉન્ટેક્ટ નંબર આપવામાં આવશે. આને કારણે લોકોમાં જાગૃતિ આવશે.’

આવી સુવિધાનો વિચાર કયાંથી આવ્યો એવા સવાલના જવાબમાં રમેશ જનાણીએ કહ્યું હતું કે ‘મારા અંકલ ગુજરી ગયા હતા ત્યારે હું રાજકોટ ગયો હતો. રાજકોટમાં ચાલતી આ સેવા જોઈને મને વિચાર આવ્યો કે આવી સુવિધા મુંબઈમાં તો નથી. ત્યાર બાદ મેં મારા મિત્રો સાથે વાત કરી હતી અને આ પ્રોજેક્ટ સકસેસફુલ થયો. મુંબઈમાં સ્મશાન દૂર હોય એટલે ગાડી કે ઍમ્બ્યુલન્સ માટે દોડધામ કરવી પડે. ઘરની વ્યક્તિ ગુમાવ્યાના શોકની લાગણીમાં પાછી આવી ઝંઝટ, પરંતુ હવે મોક્ષવાહિનીની સેવા શરૂ થતાં આ બધી તકલીફો દૂર થઈ ગઈ છે. ભાષા અને જાતિના કોઈ પણ બંધન વગર વિનામૂલ્ય સમસ્ત હિન્દુ સમાજ આ સેવાનો લાભ લઈ શકે છે.’

ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં રમેશ જનાણીએ કહ્યું હતું કે ‘અત્યારે અમે એક મોક્ષવાહિનીથી સેવાનો પ્રારંભ કર્યો છે, પરંતુ આગળ જતાં દરેક ત્રણ પરાં વચ્ચે એક મોક્ષવાહિની ઉપલબ્ધ કરાવવાની યોજના છે. હવે મુંબઈમાં ૧૧ મોક્ષવાહિની સેવા આપવાની તૈયારી ચાલી રહી છે. અમે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને અન્ય જ્ઞાતિઓને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ. એક મોક્ષવાહિની તૈયાર કરવા માટે લગભગ બાર લાખ રૂપિયાની અને એના વાર્ષિક નિભાવ માટે ચાર લાખ રૂપિયાની જરૂર પડે છે. નિભાવખર્ચ માટે તિથિ યોજના રાખવામાં આવી છે, જેમાં પાંચ વર્ષના ૫૫૦૦ રૂપિયા લેવામાં આવે છે. અમુક લોકો પોતાના વડીલની તિથિના દિવસે આ સેવાનો લાભ લેવા માગતા હોય છે. એક તિથિના ૧૧૦૦ રૂપિયા પ્રમાણે પાંચ વર્ષના ૫૫૦૦ રૂપિયા એકસાથે ભરી દેતા હોય છે. આ રીતે અમારી પાસે વર્ષના ૧૬૦ દિવસના દાતાઓ મળી ગયા છે. કુલ મળીને આવા ૩૬૦ દાતાઓ ડોનેશન આપે તો પાંચ વર્ષ સુધી ખર્ચા માટે ઇન્કમની જરૂર પડશે નહીં.’

મદદ જોઈએ છે?

જે કોઈને આ સેવાની જરૂર હોય તો તેઓ ૬૫૨૪ ૬૫૨૪ અને ૮૧૦૮૮ ૪૧૮૪૧ નંબર પર સંપર્ક કરી શકે છે. આ સુવિધા સવારે આઠ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ઉપલબ્ધ કરવામાં આવે છે.

મદદ કરવી છે?

જો કોઈને આ સેવામાં મદદ કરવી હોય તો તેઓ દશા સોરિઠિયા વણિક ચૅરિટેબલ ટ્રસ્ટને નામે મલાડ-વેસ્ટમાં આવેલી યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં પૈસા જમા કરાવી શકે છે.