મલાડમાં આવેલા દફ્તરી રોડને પહોળો કરવા થશે નવ કરોડ રૂપિયાનો ખર્ચ

07 October, 2011 05:31 PM IST  | 

મલાડમાં આવેલા દફ્તરી રોડને પહોળો કરવા થશે નવ કરોડ રૂપિયાનો ખર્ચ

 

અંકિતા શાહ

જોકે રોડ-વાઇડનિંગ માટે સ્ટેશન પાસે આવેલી અમુક દુકાનો તોડી પાડવી પડે એમ છે, પરંતુ દુકાનદારો કોર્ટમાં જઈને સ્ટે લાવ્યા હોવાથી આ દુકાનો તોડ્યા વગર જ રોડ પહોળો કરવો પડશે. રોડ-વાઇડનિંગનું કામ શરૂ કરતાં પહેલાં સોમવારે બીજેપી અને શિવસેનાના કાર્યકરોએ મળીને ભૂમિપૂજન કર્યું હતું.

કૉન્ગ્રેસના ભારે વિરોધની વચ્ચે સ્ટેશન પાસે આવેલા રોડનું વાઇડનિંગ કરવામાં આવશે. ડૉ. રામ બારોટ, અતુલ ભાતખળકર, જગદીશ પટેલ અને શિવસેનાના રાજુ સકપાળના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રોડ-વાઇડનિંગ વિશે સ્થાનિક કૉપોર્રેટર ડૉ. રામ બારોટે મિડ-ડે Localને જણાવ્યું હતું કે ‘દફ્તરી રોડને પહોળો કરવાનો નર્ણિય ઑગસ્ટ મહિનામાં જ લેવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રોજેક્ટ માટે સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટી દ્વારા નવ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. મુંબઈમાં રોડ-વાઇડનિંગ માટે કુલ મળીને ૫૫૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટી દ્વારા ટેન્ડર પાસ કરાયાં હતાં અને રોડને સિમેન્ટ તથા કૉન્ક્રીટની મદદથી પહોળો કરવા માટે નવ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. છેલ્લાં બે વર્ષથી આ કામ અટકી પડ્યું હતું. રોડ પહોળો કરવાનું કામ આઠ મહિનામાં પૂરું થાય એવી શક્યતા છે. આ માટે લોકોનો સાથસહકાર હોવો ખૂબ જ જરૂરી છે. દુકાનદારોને પણ આ માટે સમજાવવામાં આવશે.’

રોડ-વાઇડનિંગ માટે આઠ દુકાનો વચ્ચે આવે છે, પરંતુ આ દુકાનદારો પોતાની દુકાન તોડવામાં ન આવે એ માટે સુધરાઈની વિરુદ્ધમાં કોર્ટમાં ગયા છે અને અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દફ્તરી રોડ પર પોલીસ-ચોકીની સામેથી સ્ટેશન તરફની આ દુકાનો તોડી પાડવામાં નહીં આવે. કોર્ટે આ દુકાનો ન તોડવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી કોર્ટ કોઈ આદેશ આપે નહીં ત્યાં સુધી આ દુકાનોનો ભાગ અથવા તો દુકાનો તોડી પાડવાનો હક સુધરાઈને નથી. અમુક દુકાનદારોને સમજાવીને તેમના સહકારથી આ કામ હાથ ધરવામાં આવશે એવું સ્થાનિક નગરસેવક ડૉ. રામ બારોટે મિડ-ડે Localને જણાવ્યું હતું.

રોડ-વાઇડનિંગના મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ-કમિશનર એ. એન. ખેરેએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘૨૩ જુલાઈએ સુધરાઈના હેડક્વૉર્ટર્સમાં અમે બધા અધિકારીઓએ મળીને મીટિંગ કરી હતી ત્યારે સુધરાઈના કમિશનર સુબોધ કુમારે એવી વાત કરી હતી કે આ રસ્તાને વાઇડનિંગની જરૂર છે અને એના માટે દુકાનોનાં સ્ટ્રકચર તોડી પાડવાં પડશે, પરંતુ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને દુકાનનો ભાગ અથવા તો આખેઆખી દુકાન તોડી શકાશે નહીં. ત્યાર પછી કમિશનરે કોર્ટમાં જે સ્ટે આપવામાં આવ્યો છે એની સુનાવણી દરમ્યાન એ હટાવી શકાય એ માટે ફૉલો-અપ કરવાનો તેમ જ સ્ટે વેકેટ કરવામાં આવે એ માટેના બધા જ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો હતો, જેથી દુકાનો તોડીને રોડ પહોળો કરી શકાય.’