મલાડમાં એક જ રાતમાં ૧૧ ઑફિસનાં તાળાં તૂટ્યા, પણ તસ્કરોએ ખાલી હાથ જવું પડ્યું

26 October, 2014 05:42 AM IST  | 

મલાડમાં એક જ રાતમાં ૧૧ ઑફિસનાં તાળાં તૂટ્યા, પણ તસ્કરોએ ખાલી હાથ જવું પડ્યું


શુક્રવારે મોડી રાતે મલાડ (ઈસ્ટ)માં પુષ્પા પાર્ક એરિયામાં એક જ રાતમાં ૧૧ ઑફિસોમાં લૂંટારા ત્રાટક્યા હતા, પણ તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાનો ભોગ બનેલા લોકોએ કહ્યું હતું કે પાછલા અનુભવ પરથી તેઓ હવે પોતાની ઑફિસમાં કૅશ નથી રાખતા, પણ લાખોની કિંમતનો માલસામાન તેમની ઑફિસમાં પડ્યો હોય છે. જોકે ચોરોએ ઑફિસમાં રહેલા માલસામાનને હાથ નહોતો લગાડ્યો.

પોલીસે આ ઘટનામાં ઑફિસની બહાર લગાવેલા CCTV કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં. પોલીસનું કહેવું હતું કે આ એ જ ચોરો છે જેમણે ૨૦૧૪ની ૨૫ માર્ચે‍ ૧૩ ઑફિસોમાં ચોરી કરી હતી અને ઑફિસોમાંથી ૭.૫ લાખ રૂપિયા કૅશ અને અન્ય માલસામાન ચોર્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે ઑફિસોનાં તાળાં તૂટવાની આ ઘટના શુક્રવારે મોડી રાતે અઢી વાગ્યે બની હતી અને ચોરોએ વહેલી સવારે ચાર વાગ્યા સુધી બધી ઑફિસોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. છેલ્લે તેઓ ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. જ્યારે ઑફિસમાં કામ કરતા માણસો સવારે કામ પર આવ્યા ત્યારે ઑફિસનું લૉક તૂટેલું જોઈને તેમણે તરત જ પોલીસને જાણ કરીને ગુનો નોંધાવ્યો હતો.

ઘટના બાબતે એરિયાના વેપારીઓનું કહેવું હતું કે ‘ઘટના પછી અમે પોલીસને CCTV કૅમેરાનાં ફુટેજ આપ્યાં હતાં, પણ પોલીસે આ બાબતે કાંઈ પગલાં નહોતાં લીધાં એટલું જ નહીં; અમને અમુક રહેવાસીઓ પાસેથી પણ જાણવા મળ્યું હતું કે મલાડ (ઈસ્ટ)માં ધનજીવાડી એરિયામાં પણ આ ગૅન્ગ જ ઘરફોડીની ઘટનાઓમાં સામેલ છે, પણ એ કેસ પણ હજી ઉકેલાયો નથી.’

મલાડ (ઈસ્ટ)માં પુષ્પા પાર્કમાં ઑફિસ ધરાવતા વેપારીઓએ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.