મલાડમાં જ્વેલર લૂંટાયો, શો-રૂમના CCTV કૅમેરા બંધ હતા એની લૂંટારાઓને જાણ હતી

13 June, 2017 06:40 AM IST  | 

મલાડમાં જ્વેલર લૂંટાયો, શો-રૂમના CCTV કૅમેરા બંધ હતા એની લૂંટારાઓને જાણ હતી



મલાડ (ઈસ્ટ)માં રાણીસતી માર્ગ પર કાઠિયાવાડ ચોક પાસે એક દુકાનના મુખ્ય ગેટનું તાળું તોડ્યા વિના બાજુની દુકાનમાંથી જ્વેલરની દુકાનમાં પ્રવેશીને લાખો રૂપિયાનાં સોના-ચાંદીની અને રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના ગઈ કાલે બની હતી.

કઈ રીતે ઘટના બની?

સત્યમ જ્વેલર્સના માલિક અમૃતલાલ જૈને રોજના નિયમ મુજબ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે દુકાન ખોલી હતી. દુકાન ખોલતાં જ તેઓ ચોંકી ઊઠ્યા હતા. બાજુની શૉપમાં અને તેમની શૉપની કૉમન વૉલમાં બે ફુટ જેટલું ગાબડું પાડીને લૂંટારાઓએ દુકાનમાં પ્રવેશીને લૂંટ ચલાવી હતી.

કોણ છે લૂંટારાઓ? 


સત્યમ જ્વેલર્સની બાજુમાં છેલ્લા બે મહિનાથી સીઝનલ કેરીના વેપાર માટે એક જણે શૉપ ભાડે રાખી હતી, પરંતુ બે મહિના પૂરા થઈ જવા છતાં કેરીના દુકાનદારે વધુ બે દિવસ દુકાન રાખવાનું કહ્યું હતું. અમુક દિવસથી જ્વેલરના CCTV કૅમેરા ખરાબ થઈ ગયા હોવાથી બંધ હતા અને એ વાતની જાણ બાજુના દુકાનદારને હતી. એ તકનો લાભ લઈને લૂંટારાઓએ ચોરીનો પ્લાન બનાવ્યો હશે એમ પોલીસ માની રહી છે.


પોલીસ-અધિકારી શું કહે છે?

દિંડોશીના સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સત્યમ જ્વેલર્સની દુકાનમાંથી અંદાજે એક કિલો સોનું, ૧૫ કિલો ચાંદી અને ૫૦,૦૦૦ રૂપિયા કૅશ મળીને કુલ ૩૧,૨૭,૦૦૦ રૂપિયાની મતાની ચોરીની ફરિયાદ મળી છે. બિહારના વતનીએ બાજુની દુકાન ભાડે રાખી હતી. એ દુકાનમાંથી બાકોરું પાડીને સત્યમ જ્વેલર્સમાં ઘૂસીને ચોરી થઈ છે. ઘટનાસ્થળેથી બે ગૅસ-સિલિન્ડર અને એક ગૅસકટર મળી આવ્યાં છે. કેરી વેચનારો ચોરીની ઘટના બાદ ગાયબ છે. આ ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિઓેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરીની ઘટનામાં એક કરતાં વધુ લોકો સ્ાંડોવાયેલા હોવાની શંકા છે.’