રેડિયેશન નૉર્મ્સ વિશે મલબાર હિલના રહેવાસીઓએ મિલિંદ દેવરાને પત્ર લખ્યો

18 October, 2012 06:49 AM IST  | 

રેડિયેશન નૉર્મ્સ વિશે મલબાર હિલના રહેવાસીઓએ મિલિંદ દેવરાને પત્ર લખ્યો



ઓછા મોબાઇલ ટાવર રેડિએશન નૉર્મ્સની આવશ્યક્તા પર ભાર મૂકતાં મલબાર હિલના રહેવાસીઓએ પોતાના વિસ્તારના સંસદસભ્ય અને કેન્દ્રના કમ્યુનિકેશન ઍન્ડ ઇન્ફર્મે‍શન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન મિલિંદ દેવરાને એક પત્ર લખીને કહ્યું છે કે જો પરમિસિબલ રેડિયેશનની મર્યાદા ઘટાડવામાં નહીં આવે તો રેડિયેશન વિશેની ફરિયાદો પર ધ્યાન આપવા માટે જે યંત્રણા કામે લગાડવામાં આવી છે એ નકામી બની રહેશે.

પહેલી સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ફ્રીક્વન્સીની પરમિસિબલ લિમિટ ૪૫૦૦ મિલિવૉટ્સ/સ્ક્વેર મીટરથી ઘટાડીને ૪૫૦ મિલિવૉટ્સ/સ્ક્વેર મીટર કરી નાખી હતી. જોકે ઍક્ટિવિસ્ટને આ મર્યાદા પણ ઘણી વધારે લાગે છે અને મલબાર હિલના રહેવાસીઓએ કહ્યું હતું કે ‘રેડિયેશન ૩ મિલિવૉટ્સ/સ્ક્વેર મીટર જેટલું ઓછું હોય ત્યારે પણ લોકોને હેલ્થ સંબંધી ફરિયાદોનો સામનો કરવો પડ્યો હોવાના બનાવો જોવા મળ્યાં છે.’

મલબાર હિલ રેસિડન્ટ ઍન્ડ ઍન્ટિ-રેડિયેશન કૅમ્પેન સાથે સંકળાયેલા પ્રકાશ મુનશીએ કહ્યું હતું કે ‘રહેવાસીઓની માથું દુખવાની અને ચક્કર આવવાની ફરિયાદો આવતાં રેડિયેશનની સંભવિત અસરની શંકાને પગલે અમે અમારા વિસ્તારમાં રેડિયેશનના સ્તરની ચકાસણી કરાવી હતી. રેડિયેશનનું સ્તર ૩ મિલિવૉટ્સ/સ્ક્વેર મીટર જેટલું હતું, ત્યારે કેન્દ્ર સરકાર મહત્તમ મર્યાદા ૪૫૦ મિલિવૉટ્સ/સ્ક્વેર મીટર જેટલી ઊંચી કેવી રીતે રાખી શકે?’

૧૨ ઑક્ટોબરે મિલિંદ દેવરાને મોકલવામાં આવેલા પત્રમાં મલબાર હિલના રહેવાસીઓએ કેન્દ્ર સરકાર ૪૫૦ મિલિવૉટ્સ/સ્ક્વેર મીટરના આંકડા પર કેવી રીતે આવી એ જાણવા માગ્યું છે. આવી જ રીતે પત્રમાં સુધારિત નિયમાવલી વિશેના અનેક પ્રfનો કરવામાં આવ્યા છે અને આ નવી માર્ગદર્શિકાને આધારે રેડિયેશનની ફરિયાદ ક્યાં કરી શકાશે એ પણ જાણવા માગ્યું છે.

આ જ કૅમ્પેન સાથે જોડાયેલી ફિલ્મ-અભિનેત્રી જુહી ચાવલાએ કહ્યું હતું કે નવી નિયમાવલીમાં લોકોના નિવાસસ્થાનથી અંતર, ઍન્ટેનાની ઊંચાઈ, કાયદેસર રીતે ઍન્ટેના લગાવવામાં આવ્યા છે કે નહીં વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવાની આવશ્યકતા છે.