વિડિયો કૉલ કરો, કપડાં કાઢો ને બ્લૅકમેઇલ કરો

19 September, 2021 10:02 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પૈસા કઢાવવા માટેની આ મોડસ ઑપરેન્ડીનો શિકાર થનારા લોકોની સંખ્યા વધતી જાય છે.  આવી ઘટના એક સમયના ‘આપ’ના નેતા અને બિલ્ડર મયંક ગાંધી સાથે પણ બની

મયંક ગાંધીના નંબર પર વૉટ્સઍપ પર આવેલા મેસેજિસ.

એક સમયે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને બિલ્ડર મયંક ગાંધીને એક મહિલાએ અચાનક વિડિયો કૉલ કરીને અનડ્રેસ થવા લાગી હોવાથી તેમણે તરત ફોન કાપી નાખ્યો. ત્યાર  બાદ તે બાદ મહિલા મેસેજિસ કરીને બદનામ કરવાની ધમકી સાથે બ્લૅકમેઇલ કરીને પૈસા પડાવવાના અનેક પ્રયાસ કરવા લાગી હતી. એ પછી કોઈ પુરુષનો પણ ફોન આવ્યો અને બ્લૅકમેઇલ કરવા લાગ્યો હતો. આમ અનેક રીતે તેમને બ્લૅકમેઇલ કરીને પૈસા પડાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ પોલીસે જણાવ્યા પ્રમાણે તેમણે શાંતિથી કામ લઈને બ્લૅકમેઇલ કરનારાઓના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
આ બનાવ વિશે માહિતી આપતાં જુહુમાં રહેતા મયંક ગાંધીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘરમાં કાર્યક્રમ ચાલુ હોવાથી પરિવાર સાથે બેઠો હતો ત્યારે ત્રણેક વખત એક નંબરથી વિડિયો કૉલ આવી રહ્યો હતો. દરરોજના અસંખ્ય ફોન આવે છે એટલે મને લાગ્યું કોઈ ફોન કરતું હશે, પરંતુ બે વખતથી વધુ વાર ફોન આવતાં મને એવું લાગ્યું કે કંઈ અગત્યનું કામ હશે. એથી એક બાજુએ જઈને ફોન ઉપાડ્યો તો એક મહિલા દેખાઈ અને અચાનક તે અનડ્રેસ થવા લાગી હોવાથી મને એકદમ આઘાત લાગ્યો એટલે મેં સીધો ફોન જ કાપી નાખ્યો હતો.’
મયંક ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ‘એના ગણતરીના દિવસોમાં એ જ નંબરથી મને મેસેજિસ આવવા લાગ્યા અને એક અશ્લીલ વિડિયો મોકલાવ્યો હતો અને એમાં કોઈ અન્ય પુરુષ પણ હતો. આ વિડિયો મારા સોશ્યલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે પર મારા બધા મિત્રોને મોકલી આપશે અને મારી લાઇફ બરબાદ કરી નાખશે એવા અનેક મેસેજ કરીને તેણે મને બ્લૅકમેઇલ કરવાના પ્રયાસ કર્યા હતા. મારા અમુક મિત્રોને વિડિયો મોકલવામાં પણ આવ્યો હતો. આ રીતે તેમણે પૈસા પડાવવાની કોશિશ કરી, પણ મેં રિસ્પૉન્સ આપ્યો નહીં. ત્યાર બાદ મેં પોલીસની મદદ લીધી અને પોલીસે મને કોઈ રીઍક્શન ન આપવાનું અને શાંતિ રાખવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મેં નંબર પણ બ્લૉક કરી નાખ્યો હતો અને સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી. જોકે ફરી એક બીજા નંબરથી એક પુરુષનો ફોન આવ્યો અને યુટ્યુબથી બોલું છું એમ કહીને તમારો વિડિયો બધે શૅર કરી નાખવામાં આવશે, આખા ઇન્ડિયાને દેખાડીશ એવી બધી વાતો કરીને બ્લૅકમેઇલ કરીને તેણે મને ડરાવીને પૈસા પડાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ મેં તેની જરાય ચિંતા કર્યા વગર જવાબ આપતાં તેનું મૉરલ ડાઉન કરી દીધું હતું.’ 

 

 

 

 

 

Mumbai mumbai news preeti khuman-thakur