પચાસથી ઓછા મેમ્બરો ધરાવતી નાની હાઉસિંગ સોસાયટીઓને મોટી રાહત

19 March, 2024 09:32 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

મૅનેજિંગ કમિટીમાં અનામત બેઠકોની જોગવાઈ હટાવી લેવાઈ : બે મહિલા સહિત ૭ મેમ્બરોની કમિટી બનાવી શકાશે

પ્રતીકાત્મક તસવીર

પચાસથી ઓછા મેમ્બરો ધરાવતી મુંબઈ શહેર અને મહારાષ્ટ્રની આશરે ૫૦,૦૦૦થી વધારે હાઉસિંગ સોસાયટીઓ હવે અનામત કૅટેગરીની પોસ્ટ ભર્યા વિના મૅનેજિંગ કમિટીની ચૂંટણી કરી શકશે. રાજ્યના હાઉસિંગ વિભાગે આ વર્ષે ત્રીજી જાન્યુઆરીએ બહાર પાડેલા એના સર્ક્યુલરમાં સુધારો કર્યો છે. અગાઉના સર્ક્યુલર મુજબ કમિટી મેમ્બરોની સંખ્યા ૧૧થી ઘટાડીને પાંચ કરી દેવામાં આવી હતી અને એમાં એક જ બેઠક ઓપન કૅટેગરી માટે હતી, જ્યારે બાકીની ૪ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST), અધર બૅકવર્ડ ક્લાસ (OBC), વિમુક્ત જાતિ અને નોમેડિક ટ્રાઇબ્સ (VJNT) અને મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી હતી. 

જોકે આ સર્ક્યુલર સામે વિરોધનો વંટોળ ઊભો થયો હતો, કારણ કે આ રીતે અનામત બેઠકો ભરવાની સોસાયટીઓને ખૂબ મુશ્કેલી પડતી હતી અને એથી ૨૮ ફેબ્રુઆરીએ હાઉસિંગ વિભાગે નવો સર્ક્યુલર બહાર પાડીને વિસંગતિ દૂર કરી છે. હવે કમિટીમાં ૭ મેમ્બરો હશે, જેમાં મહિલાઓ માટે બે બેઠક અનામત રખાઈ છે અને એમાં જાતિ કે ધર્મનો ભેદભાવ રખાયો નથી. મહિલા ઉમેદવારી ન નોંધાવે તો કમિટીમાં પાંચ મેમ્બરો રહેશે. પાંચેય મેમ્બરો ઓપન કૅટેગરીના રહેશે. મીટિંગ માટે હવે ૩ મેમ્બરોની હાજરી આવશ્યક બનશે.

નાની સોસાયટીઓને અનામત કૅટેગરીના મેમ્બરના અભાવે કમિટીનું ગઠન કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આવી સોસાયટીઓને ઍડ્મિનિસ્ટ્રેટરોના હવાલે કરવામાં આવતી હતી અને ફ્લૅટધારકોને હેરાનગતિ થતી હતી. આ હવે બંધ થશે. 

મહારાષ્ટ્રમાં આશરે ૧.૨૫ લાખ હાઉસિંગ સોસાયટી રજિસ્ટર્ડ છે, જેમાં મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં જ ૬૫થી ૭૦ ટકા સોસાયટી આવી જાય છે. 

mumbai news vinod kumar menon mumbai