મુંબઈ: કુર્લાની બેકરીમાં લાગી ભીષણ આગ , જાનહાનિ નહીં

06 July, 2021 05:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. કુર્લામાં એક બેકરીમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનગરીમાં અવાર નવાર ઈમારત ધરાશાઈ અને આગની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર મુંબઈના કુર્લામાં એક બેકરીમાં આગ લાગી હતી. આ ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટના બનતાં જ ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી.  

ફાયર વિભાગના આ અંગે માહિતી મળતા તુરંત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈના ઉપનગરીય કુર્લામાં આવેલી બેકરીમાં ભીષણ આગ લાગી હતી. પરંતુ હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

કુર્લા પશ્ચિમમાં પાઈપલાઈન રોડ પર ટિટવાલા કમ્પાઉન્ડમાં આવેલી બેકરીમાં બપોરે અઢી વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગનું સ્વરૂપ વિસ્તૃત હોવાથી ઓછામાં ઓછા આઠ ફાયર એંજીન અને ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા હતા.  અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈને ઈજા પહોંચવાના કોઈ સમાચાર નથી.  આગ લાગવા પાછળનું  પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.  અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. એક સ્થાનિક રહેવાસીએ આ ઘટના અંગે કહ્યું કે  કમ્પાઉન્ડ ઝૂંપડપટ્ટીથી ઘેરાયેલું છે  તેથી આગ બાજુની ચોલમાં પણ ફેલાઈ હતી. તેમજ જે વિસ્તારમાં બેકરી છે ત્યાં સાંકડી ગલીઓ હોવાને કારણે ફાયર ટેન્કર માટે ઘટનાસ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું હતું. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. 

mumbai mumbai news kurla