કાંદા પછી હવે મરચાં રોવડાવશે

01 November, 2020 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદા પછી હવે મરચાં રોવડાવશે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસથી આસમાને પહોંચેલા કાંદાના ભાવ બધાને રોવડાવી રહ્યા છે, હવે લોકોને મરચાં માટે પણ વધુ રૂપિયા ચૂકવવા પડે એવી શક્યતા ઊભી થઈ છે. રાજ્યના મરચાંના મુખ્ય સેન્ટર નંદુરબારમાં આ વર્ષે ભારે વરસાદ અને રોગચાળાને લીધે મરચાંનું ઉત્પાદન ઘટ્યું હોવાથી મરચાંના ભાવ કાંદાની જેમ અચાનક વધી શકે છે.

નંદુરબાર જિલ્લામાં મોટા પાયે મરચાંની ખેતી થાય છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષથી મરચાંની ખેતીમાં વિવિધ પ્રકારની મુશ્કેલી આવી રહી હોવાથી ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે અતિવૃષ્ટિની સાથે મરચાંના છોડમાં રોગચાળો પણ આવતાં ખેતીમાં ૭૦ ટકા જેટલું ધરખમ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

નંદુરબારના ખેડૂતોના જણાવ્યા મુજબ અહીં થતી મરચાંની ખેતીમાંથી મોટા ભાગનાં મરચાં મુંબઈ, પુણે કે થાણે જેવા મોટા શહેરમાં પહોંચાડાય છે. દર વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી મરચાંની ખેતી કરવાથી પૂરતું વળતર ન મળતું હોવાથી અનેક ખેડૂતોએ મરચાંનું વાવેતર બંધ કરી દીધું છે. મરચાંની ખેતીમાં થઈ રહેલા સતત નુકસાનનું સંશોધન કરવા માટે રાજ્ય સરકાર અને કૃષિ યુનિવર્સિટીએ સેન્ટર બનાવવા જોઈએ.

લીલા મરચાંના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી આ વર્ષે લાલ મરચાંની પણ ભારે અછત ઊભી થવાથી એના ભાવ વધવાથી સામાન્ય લોકોએ કાંદાની જેમ વધારે રૂપિયા ચૂકવવા પડશે.

maharashtra mumbai mumbai news onion prices