ગાંધીજીના વિચારો યંગ જનરેશનમાં ફેલાવવા આજે પ્રભાતફેરી

02 October, 2012 04:44 AM IST  | 

ગાંધીજીના વિચારો યંગ જનરેશનમાં ફેલાવવા આજે પ્રભાતફેરી



સ્વાતંત્ર્યપૂર્વે‍ મહાત્મા ગાંધીએ ચલાવેલી અહિંસા અને સ્વદેશીની ચળવળ તથા તેમના અન્ય વિચારો માત્ર ત્યારે જ ઉપયોગી હતા એવું નથી, આજની તારીખે પણ એ સમાજ માટે એટલા જ ઉપયોગી છે એટલે તેમના વિચારો લોકોમાં અને ખાસ કરીને અત્યારના યંગ જનરેશનમાં ફેલાય એ માટે સેન્ટ્રલ રેલવેના માટુંગા-સાયન વચ્ચે આજે તેમની જન્મજયંતીએ પ્રભાતફેરીની મહારૅલીનું આયોજન શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલયના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.

આ રૅલી (પ્રભાતફેરી)નું આયોજન કરનારા શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલયના પ્રમુખ ચંપકલાલ ગંગરે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીજીના વિચારો આટલાં વર્ષો પછી પણ અસરકારક છે અને હંમેશાં રહેશે, કારણ કે તેઓ સત્યને વરેલા છે અને સમાજ માટે સદા ઉપયોગી રહ્યા છે. જોકે આ વિશે યંગ જનરેશનને બહુ જાણ નથી. મને તો ડર છે કે થોડાં વર્ષો પછી યંગ જનરેશન એમ ન સમજી લે કે રામાયણ અને મહાભારતનાં કાલ્પનિક પાત્રોની જેમ ગાંધીજી પણ કોઈ કાલ્પનિક પાત્ર છે એટલે મૂળ તો તેમના માટે આ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલીમાં ત્રણ ટ્રક રાખવામાં આવી છે અને એમાં નાની ઉંમરનાં બાળકોને બેસાડવામાં આવશે. આ બાળકો ગાંધીજીનાં પ્રિય ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ’ જેવાં ભજનો ગાઈને પ્રભાતફેરીની શરૂઆત કરશે. અંદાજે ૧૦,૦૦૦ લોકો રૅલીમાં જોડાય એવી શક્યતા છે. એમાં ત્રણ બૅન્ડ રહેશે, જેમાં એક બૅન્ડ અમારી બોર્ડિંગના છોકરાઓનું છે.’

ગેટવે ઑફ ઇન્ડિયા પર ભજનસંધ્યા

શાંતિ, અહિંસા અને વિશ્વબંધુત્વનો સંદેશ આપવા આજે ગાંધીજયંતી નિમિત્તે ગેટવે ઑફ ઇન્ડિયા પર સાંજે પાંચ વાગ્યે ભજનસંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુંબઈ યુનિવર્સિટીના ૩૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સ હાજર રહેશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રાજન વેળુકર કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સને અહિંસાની પ્રતિજ્ઞા લેવડાવશે. કાર્યક્રમમાં ‘રઘુપતિ રાઘવ રાજારામ’, ‘વૈષ્ણવ જન’, ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’, ‘અલ્લા તેરો નામ’ વગેરે ભજનો ગાયક સાઈરામ અય્યર, મદન દુબે, મંગેશ બોરગાવકર અને પૂર્વજા પાધ્યે રજૂ કરશે અને સર્વધર્મ પ્રાર્થનાનું પણ ગાન થશે.

ગાંધી ફિલ્મ-ફેસ્ટિવલ

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૩મી જન્મજયંતી નિમિત્તે સાઉથ મુંબઈમાં ડૉ. ગોપાલરાવ દેશમુખ માર્ગ પર જસલોક હૉસ્પિટલ પાસે ફિલ્મ્સ ડિવિઝન ઑફ ઇન્ડિયાના થિયેટરમાં ગાંધી ફિલ્મ-ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે પોણાઅગિયાર વાગ્યે દિગ્ર્દશક શ્યામ બેનેગલ એનું ઉદ્ઘાટન કરશે. પછી ૧૧.૫૦ વાગ્યે તેમણે બનાવેલી ફિલ્મ ‘ધ મેકિંગ ઑફ ધ મહાત્મા’ પ્રદર્શિત કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે વિઠ્ઠલભાઈ ઝવેરીની ‘મહાત્મા-લાઇફ ઑફ ગાંધી’ રજૂ થશે.

આવતી કાલથી શુક્રવાર સુધી રોજ સાંજે છ વાગ્યે ગાંધીજી વિશેની એક-એક ફિલ્મ રજૂ થશે અને ૬ ઑક્ટોબરે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી ગાંધીજી વિશેની ફિલ્મો અને સ્લાઇડ શો રજૂ થશે. રજૂ થનારી ફિલ્મોમાં ‘ગાંધી માય ફાધર,’ ‘મૈંને ગાંધી કો નહીં મારા,’ ‘લગે રહો મુન્નાભાઈ,’ ‘લાઇન્સ ઑફ ગાંધી,’ ‘ગાંધી-ઍન ઇમર્જિંગ રિયલિટી’ અને ‘ગાંધીજી થ્રૂ આઇઝ ઑફ ધ કાટૂર્નિસ્ટ’નો સમાવેશ છે. આ ફિલ્મોમાં કામ કરનારા અભિનેતાઓ આ સમયે હાજર રહેશે અને પ્રેક્ષકો સાથે વાતચીત કરશે.