Maharashtra Weather: બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, શું વરસાદનું જોર વધશે?

26 September, 2025 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Weather: મહારાષ્ટ્રના ઘણા ભાગમાં ૨૬થી ૨૮ તારીખની વચ્ચે વાદળછાયું હવામાન અને વરસાદનું જોર વધવાની સંભાવના છે એમ અધિકારીઓએ જણાવ્યું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હવામાન (Maharashtra Weather)ની વાત કરવામાં આવે તો બંગાળની ખાડી ઉપર લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગમાં ૨૬થી ૨૮ તારીખની વચ્ચે વાદળછાયું હવામાન અને વરસાદનું જોર વધવાની સંભાવના છે એમ અધિકારીઓએ જણાવ્યું છે.

મહારાષ્ટ્ર સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઇન્ફર્મેશન એન્ડ પબ્લિક રિલેશન્સ (DGIPR) દ્વારા ગુરુવારે એક્સ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવાયુ હતું કે પાંચ ઓક્ટોબર પહેલાં દક્ષિણ-પશ્ચિમ મોન્સુન રાજ્યમાંથી જતું રહે તેવી શક્યતા નથી.

૨૬મી સપ્ટેમ્બરની બપોરથી દક્ષિણ વિદર્ભ અને મરાઠાવાડાના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ (Maharashtra Weather) થવાની સંભાવના છે. આ ઉપરાંત ગઢચિરોલી, ચંદ્રપુર, યવતમાળ અને નાંદેડ સહિતના જિલ્લાઓમાં વરસાદની અપેક્ષા છે, જ્યારે વિદર્ભ અને મરાઠાવાડાના બાકીના ભાગમાં હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને હવામાનની આગાહી અનુસાર તેમની કૃષિ વિષયક કામગીરીનું બરાબર આયોજન કરવાની અને લણણી કરાયેલા પાકને વરસાદ અને તોફાની પવનથી બચાવવા સલાહ આપી છે. અધિકારીઓએ પશ્ચિમ મહારાષ્ટ્રના દક્ષિણ મરાઠવાડા, કોંકણ અને `ઘાટ` (પર્વતીય) વિસ્તારોમાં ડેમોમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે નદીઓ અને જળાશયોમાં પૂર આવી શકે તેવી શક્યતા છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી સલામતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.

સરકારે કહ્યું છે કે આ મહિને 31 જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 લાખ હેક્ટર ખેતીની જમીન અને ઊભા પાકને નુકસાન (Maharashtra Weather) થયું છે.  તેના અનુસાર, રાજ્ય આપત્તિ રાહત ભંડોળમાંથી 2,215 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને કેન્દ્ર પાસેથી વધુ ભંડોળની માંગ કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને મરાઠાવાડા પ્રદેશમાં લાખો એકર જમીન પર પાકને નુકસાન થયું છે અને છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક લોકોના જીવ પણ જતા રહ્યા છે. તાજતેરમાં જ મહારાષ્ટ્રમાં છેલ્લા નવ વર્ષમાં ન થયેલ તારાજી જોવા મળી છે. જેમાં ભારે વરસાદ, કરા અને દુષ્કાળને કારણે ૬૦૫ લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીન પર પાકનું નુકસાન થયું છે, સરકારી આંકડા અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને વળતર તરીકે ૫૪,૬૦૦ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૯થી અતિશય વરસાદ (Maharashtra Weather)માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, વર્તમાન ખરીફ સીઝનમાં પહેલેથી જ ભારે નુકસાન થતું આવ્યું છે. આમ, મહારાષ્ટ્ર સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન્સ (DGIPR) દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ અનુસાર પાંચમી ઓક્ટોબર પહેલાં તો રાજ્યમાંથી ચોમાસું જતું રહે એવા કોઈ એંધાણ નથી.

mumbai news mumbai maharashtra news maharashtra mumbai rains monsoon news mumbai monsoon indian meteorological department marathwada