05 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એજ્યુકેશન મિનિસ્ટર દાદાસાહેબ ભુસે
બાળકોમાં દેશભક્તિની ભાવના જાગે, નિયમિત કસરત કરવાની આદત કેળવાય અને તેઓ શિસ્ત જાળવતાં થાય એ માટે હવે પહેલા ધોરણથી જ બાળકોને સ્કૂલમાં મિલિટરીની બેઝિક ટ્રેઇનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેઇનિંગ આપવા માટે ભૂતપૂર્વ સૈનિકોની મદદ લેવામાં આવશે એમ રાજ્ના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દાદાસાહેબ ભુસેએ કહ્યું છે.
સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ થનારા આ પ્રોગ્રામને કારણે બાળકો નાનપણથી જ વફાદારી, ઑર્ગેનાઇઝેશનલ સ્કિલ અને જવાબદારી સમજતાં થશે એમ જણાવીને દાદાસાહેબ ભુસેએ કહ્યું હતું કે ‘આ પ્રસ્તાવને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સપોર્ટ આપ્યો છે. આ અભિયાનમાં રાજ્યના ૨.૫ લાખ ભૂતપૂર્વ સૈનિકોને સાંકળી લેવામાં આવશે.’
હાલ આ પ્રોગ્રામ પ્લાનિંગ સ્ટેજ પર છે. ઝીણવટભરી ગાઇડલાઇન સાથે એને આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. સ્કૂલના હાલના કરિક્યુલમમાં એનો ઇફેક્ટિવ રીતે સમાવેશ કરવા અને એ બાળકોની ઉંમર પ્રમાણે લાગુ કરાય એ માટે એજ્યુકેશન એક્સપર્ટ અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્પેશ્યલિસ્ટની પણ સલાહ લેવામાં આવશે.
આ પ્રોગ્રામ અસરકારક રીતે લાગુ કરી શકાય એ માટે રાજ્યના ૨.૫ લાખ ભૂતપૂર્વ સૈનિકો, સ્પોર્ટ્સ ટીચર, નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC)ના સ્કાઉટ્સ અને ગાઇડ્સની પણ મદદ લેવામાં આવશે એમ દાદાસાહેબ ભુસેએ વધુમાં કહ્યું હતું.