08 January, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પહેલાં મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના અધિકારીઓ સાથેની મીટિંગમાં પ્રિન્સિપાલ્સ અસોસિએશનના સભ્યો.
દસમા અને બારમા ધોરણની પરીક્ષાને હવે એક જ મહિનો બાકી રહ્યો છે ત્યારે એ એક્ઝામમાં સુપરવિઝન કરવા માટે ટીચર્સને ૩ કલાકના ફક્ત પચીસ રૂપિયા મળે છે જેનાથી નારાજ ટીચર્સની એ અને અન્ય બીજી માગણીઓ માટે પ્રિન્સિપાલોના અસોસિએશનનું એક પ્રતિનિધિમડંળ ગઈ કાલે સ્ટેટ બોર્ડના અધિકારીઓને મળ્યું હતું અને એ બદલ રજૂઆત કરી હતી.
અસોસિએશનના કહેવા અનુસાર ગયા વર્ષ સુધી તેમને ૩ કલાકના સુપરવિઝનના પચીસ રૂપિયા મળતા હતા. જોકે એ કઈ જાતની ડ્યુટી આપી છે એના પર પણ નિર્ભર કરતું હોય છે. જોકે એમ છતાં આ વર્ષના ઍકૅડેમિક યર માટે
હજી સુધી રેમ્યુનરેશન સ્ટ્રક્ચર બહાર પાડવામાં આવ્યું નથી.
પેપરની ચકાસણી કરનારને ટોટલ કેટલા માર્ક્સનું પેપર છે એના આધારે અલગથી પેમેન્ટ કરવામાં આવે છે. ૮૦ માર્ક્સનું પેપર ચેક કરવા માટે તેમને ૬.૫૦ રૂપિયા મળે છે. પ્રિન્સિપાલ અસોસિએશનના સેક્રેટરી નંદકુમાર સાગરે કહ્યું હતું કે ‘ટીચર્સને હાલ ૩ કલાકના પેપરના સુપરવિઝન માટે પચીસ રૂપિયા ચૂકવપામાં આવે છે. બોર્ડના અધિકારીઓ સાથેની મીટિંગ પૉઝિટિવ રહી છે અને અમને આશા છે કે એમાં વધારો કરવામાં આવશે.’
બીજી એક સમસ્યા એવી હતી કે સુપરવિઝનના કામ માટે જતા ટીચર્સને તેમની સ્કૂલ કરતાં બહુ જ દૂરનાં સેન્ટર્સમાં ડ્યુટી આપવામાં આવે છે. એથી તેમણે પહેલાં તો પોતાની સ્કૂલમાં ડ્યુટી કરવી પડે છે ત્યાર બાદ લાંબે સુધીનું ટ્રાવેલ કરીને સેન્ટર પર પહોંચવું પડે છે જે ખરેખર અગવડભર્યું હોય છે.
બીજો મુદ્દો સર્વેલન્સ વધારવા CCTV કૅમેરા બેસાડવાનો હતો. કેટલાક મહિના પહેલાં સ્ટેટ બોર્ડે દસમા અને બારમા ધોરણનાં તમામ સેન્ટર્સને CCTV કૅમેરા બેસાડવાનું કહ્યું હતું. જોકે પ્રિન્સિપાલોના કહેવા મુજબ બોર્ડના આ નિર્દેશને પહોંચી વળવા કેટલાંક સેન્ટર્સ પાસે ફન્ડ નથી. નંદકુમાર સાગરે કહ્યું હતું કે ‘મીટિંગમાં અમને જણાવવામાં આવ્યું કે ૮૦થી ૮૫ ટકા સેન્ટર્સમાં CCTV કૅમેરા લાગેલા છે. બાકીનાં સેન્ટર્સને કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ફન્ડમાંથી એની જોગવાઈ કરવા અથવા સ્થાનિક સ્તરે એ રકમ ઊભી કરવા કહેવાયું છે.’
અસોસિએશનના અન્ય એક મેમ્બરે કહ્યું હતું કે અમારી મીટિંગ પૉઝિટિવ રહી, પણ હાલ આચારસંહિતા લાગુ હોવાથી સત્તાવાર રીતે અધિકારીઓ એની માહિતી ન આપી શકે. સ્ટેટ બોર્ડના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘દસમા અને બારમાની પરીક્ષાઓ વખતે અલગ-અલગ ફરજ બજાવવા બદલ શિક્ષકોને વળતર આપવામાં આવતું હોય છે. અસોસિએશન દ્વારા જે માગણી કરવામાં આવી છે એ હાલ અન્ડર કન્સિડરેશન છે. તેમનું વળતર વધારી આપવું કે નહીં એ બાબત આચારસંહિતા ઊઠ્યા બાદ હાથ પર લેવામાં આવશે.’
મહારાષ્ટ્ર સ્કૂલ પ્રિન્સિપાલ્સ અસોસિએશનના ભૂતપૂર્વ અધ્યક્ષ મહેન્દ્ર ગણપુલેએ કહ્યું હતું કે ‘ સ્ટેટ બોર્ડ અમને કહે છે કે ટીચર્સને ઑલરેડી તેમનો નિયમિત પગાર મળે છે. આ વધારાના કામ માટે તેમને માનદ, ઑનરરી વળતર આપવામાં આવે છે. ટીચર્સે સેન્ટર પર પહોંચવા ટ્રાવેલિંગ કરવું પડે છે અને વળતર તરીકે આપવામાં આવતી આ રકમ તેમના એ ખર્ચને પહોંચી વળે એટલી પણ નથી હોતી. ગયા વર્ષે અમે જ્યારે બોર્ડ સાથે આ બાબતે બેઠક કરી હતી એ પછી તેમણે એક્ઝામિનર્સના વળતરમાં વધારો કર્યો હતો, પણ સુપરવાઇઝર અને સેન્ટર-ઑપરેટર્સના વળતરમાં આવતા વર્ષે વધારો કરીશું એમ જણાવ્યું હતું.’
- અદિતિ અલુરકર