06 March, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિધાનભવન
રાજ્યના ઇકૉનૉમિક સર્વેને ગઈ કાલે વિધાનસભાના બજેટસત્રમાં રાજ્યકક્ષાના ફાઇનૅન્સ મિનિસ્ટર આશિષ જાયસવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એમાં ૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષમાં રાજ્યનો આર્થિક વિકાસ ૭.૯ ટકાના દરે થાય એવી સંભાવના દર્શાવવામાં આવી હતી જે દેશના આર્થિક વિકાસના દર ૭.૪ ટકા કરતાં વધુ છે. આ સર્વે રાજ્યની આર્થિક કામગીરી અને આવતા વર્ષ માટે શું તૈયારી કરવી એનો અંદાજ આપે છે.
મહારાષ્ટ્ર દેશની આવકના મુખ્ય સ્રોતમાંનું એક રહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ડોમેસ્ટિક સ્તરે પણ અનેક પડકારો હોવા છતાં દર્શાવાયેલો આર્થિક વિકાસદર સ્થિર આર્થિક ગતિ સૂચવે છે.
સર્વે અનુસાર ૨૦૨૫-’૨૬ માટે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) ૫૧,૦૦,૫૯૭ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની આવક ૨૦૨૫-’૨૬ માટે ૫,૬૦,૯૬૪ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. બજેટના અંદાજમાં ૨૦૨૫-’૨૬માં ટૅક્સની આવક ૪,૭૭,૪૦૦ કરોડ રૂપિયાની થશે, જ્યારે ૩૩,૫૦૨ કરોડ રૂપિયાની આવક ટૅક્સ સિવાયની હશે.
રાજ્યએ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ઑલરેડી ૩,૭૧,૫૭૫ કરોડ રૂપિયાની આવક રળી લીધી છે, જે આ વર્ષની કુલ આવકના ૬૬.૨ ટકા છે. ગયા વર્ષે બજેટના અંદાજપત્રમાં ૨૦૨૫-’૨૬ની અંદાજિત આવક ૫,૬૦,૯૬૩ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી. ચીફ મિનિસ્ટર અને હાલ નાણાપ્રધાનનો પણ હોદ્દો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. મહાયુતિ સરકારનું આ બીજું બજેટ છે.