મુંબઈ : એસએસસીનું રિઝલ્ટ આજે બપોરે 1 વાગ્યે

29 July, 2020 11:33 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ : એસએસસીનું રિઝલ્ટ આજે બપોરે 1 વાગ્યે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર એસએસસી બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાની તારીખ ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. આજે બપોરે ૧ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર એસએસસીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. મુંબઈ, પુણે, નાગપુર, ઔરંગાબાદ, કોલ્હાપુર, નાશિક, લાતુર, કોકણ સહિતનાં ૯ શૈક્ષણિક વિભાગીય બોર્ડનો આમાં સમાવેશ થાય છે. www.mahresult.nic.in, www.sscresult.mkcl.org, www.maharashtraeduction.com વેબસાઇટ પર રિઝલ્ટ જોઈ શકાશે. આ સાથે જ મુંબઈ સહિત રાજ્યભરના એસએસસીની પરીક્ષા આપનાર ૧૭, ૬૫,૮૯૮ વિદ્યાર્થીઓનો તેમનાં રિઝલ્ટના ઇંતેજારનો અંત આવશે.

ઑનલાઇન રિઝલ્ટ જાહેર થયા બાદ બીજા જ દિવસથી વિદ્યાર્થીઓને રિઝલ્ટમાં શંકા હોય તો તેઓ રીચેકિંગ અથવા આન્સર-પેપરની ઝેરોક્સ મેળવવા, રિવૅલ્યુએશન કરાવવાની અરજી પોતે અથવા સ્કૂલના માધ્યમથી ઑનલાઇન ઍપ્લિકેશન આપી શકશે.

એસએસસી બોર્ડની પરીક્ષામાં રાજ્યભરમાંથી ૯,૭૫,૮૯૪ છોકરા અને ૭,૮૯,૮૯૪ છોકરીઓ મળીને કુલ ૧૭,૬૫,૮૯૮ વિદ્યાર્થીઓ બેઠા હતા, જે ૨૦૧૯ની સરખામણીએ ૬૫૦૮૫ જેટલા વધુ હતાં. રાજ્યભરનાં ૪૯૭૯ સેન્ટરમાં પરીક્ષા લેવાઈ હતી. કુલ ૨૨,૫૮૬ સેકન્ડરી સ્કૂલોના વિદ્યાર્થીઓ માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં બેઠા હતા. ૩થી ૨૩ માર્ચ દરમ્યાન પરીક્ષા લેવાઈ હતી. એ ઉપરાંત ૯૦૪૫ દિવ્યાંગોએ એસએસસીની પરીક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે કોવિડ-સંકટને લીધે અચાનક કરાયેલા લૉકડાઉનને કારણે એસએસસી બોર્ડનું જ્યૉગ્રાફીનું પેપર રદ કરાયું હતું. બોર્ડે આ વિષયમાં ઍવરેજ માર્ક્સ આપવાનો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે ૧૦ જૂનની આસપાસ રિઝલ્ટ જાહેર કરાય છે, પરંતુ મુંબઈ સહિત રાજ્યભરમાં કોવિડની ગંભીર સમસ્યા ઊભી થવાથી પેપર ચકાસવામાં વિલંબ થતાં રિઝલ્ટ જાહેર કરવામાં મોડું થયું છે.

maharashtra mumbai news mumbai