મહિલાઓ સામેના અત્યાચારના કેસ ચલાવવા ૨૫ ફાસ્ટ ટ્રૅક કોર્ટની માગણી

26 December, 2012 05:29 AM IST  | 

મહિલાઓ સામેના અત્યાચારના કેસ ચલાવવા ૨૫ ફાસ્ટ ટ્રૅક કોર્ટની માગણી



રવિકિરણ દેશમુખ

મુંબઈ, તા. ૨૬

મહિલાઓ પર થતા બળાત્કાર, જબરદસ્તી, અત્યાચાર અને છેડતીના કેસ પર કન્ટ્રોલ કરવા અને તેમની સુરક્ષા સંબંધે શું પગલાં લઈ શકાય એ માટે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણની અધ્યક્ષતામાં સોમવારે રાત્રે મળેલી એક મીટિંગમાં રાજ્યમાં હાલ ૧૦૦ ફાસ્ટ ટ્રૅક કોર્ટ છે એમાંથી ૨૫ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં આ બાબતના કેસ ઝડપથી ચલાવવામાં આવે એવી માગણી રાજ્યના ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવી છે એમ રાજ્યના ગૃહપ્રધાન આર. આર. પાટીલે કહ્યું હતું. 

મેટ્રો શહેરોમાં રોજેરોજ બનતા મહિલાઓની છેડતી અને બળાત્કારના બનાવોને કારણે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યારે એના પર ચાંપતાં પગલાં લેવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યના પોલીસવડા સંજીવ દયાલ અને મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ પણ હાજર રહ્યા હતા.

ગૃહપ્રધાન આર. આર. પાટીલે કહ્યું હતું કે ‘રાજ્યમાં ૧૦૦ ફાસ્ટ ટ્રૅક કોર્ટ છે જેમાં કરપ્શન અને અન્ય મહત્વના કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવે છે. એમાંથી ૨૫ કોર્ટમાં મહિલાઓ પર થતા બળાત્કાર અને અત્યાચારના કેસ ચલાવી શકાય. આ ઉપરાંત રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ જાહેર સ્થળો જેવાં કે રેલવે-સ્ટેશન, બસ-સ્ટૅન્ડ, મૉલ વગેરે જગ્યાએ વધુ પોલીસને સાદાં કપડાંમાં આવા બનાવો પર નજર રાખવા ગોઠવશે. આવા બનાવો ન બને એ માટે કૉલેજો, ઇન્સ્ટિટ્યૂટ્સ વગેરેને સીસીટીવી કૅમેરા લગાવવાનું સૂચન પણ કરવામાં આવશે.’

મહિલાઓ પર થતા બળાત્કાર અને અત્યાચારના કાયદામાં સુધારો કરવાની પ્રક્રિયા વિશે જણાવતાં આર. આર. પાટીલે કહ્યું હતું કે ‘કાયદાની કલમ ૩૫૪ (વિનયભંગ અને શારીરિક છેડછાડ) અને કલમ ૫૦૯ (શાબ્દિક છેડતી અને ચેનચાળા)માં સુધારા કરવા રિટાયર્ડ જજ ચંદ્રશેખર ધર્માધિકારી કમિટીએ ૮૨ સૂચનો આપ્યાં છે. જોકે હજી કમિટીનો ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી. એ આવતાં હજી ચાર મહિના લાગશે. એમ છતાં એમાંથી ૬૭ સૂચનોનો આંશિક સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા બનતા બધા જ પ્રયાસો કરી રહી છે.’

આ મીટિંગમાં પોલીસની બાજુ રજૂ કરતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘મહિલાઓ સામે થતા અત્યાચારના મોટા ભાગના ગુનાઓમાં યુવાનોની સંડોવણી હોય છે. અમે જ્યારે તેમની ધરપકડ કરીએ છીએ ત્યારે લોકો તેમને પકડવા બદલ સામી દલીલો કરે છે. આ માટે આરોપ અને પ્રતિઆરોપ થતા હોય છે ત્યારે પોલીસની બાજુ લેવા કોઈ આગળ આવતું નથી.’

આંકડાબાજી

૨૦૧૧માં દેશમાં બળાત્કારના ૨૪,૨૦૬ કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં એમાંના ૧૭૦૧ કેસ એટલે કે ૭.૧ ટકા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં દર એક લાખની વસતિ સામે બળાત્કારના ૧.૫ કેસ નોંધાય છે.

રાજ્ય બળાત્કારના ગુનાઓમાં દેશમાં ૨૪મો ક્રમ ધરાવે છે.

૨૦૧૧માં દેશમાં મહિલા સામે અત્યાચારના ૨,૨૮,૬૫૦ કેસ નોંધાયા હતા.

રાજ્યમાં એમાંથી ૧૫,૭૨૮ એટલે કે ૬.૯ ટકા કેસ નોંધાયા હતા.

દેશની કુલ વસતિમાંથી મહારાષ્ટ્રની વસતિ ૯.૩થી ૯.૪ ટકા જેટલી છે.