Maharashtra Schools: રાજ્યમાં શાળાઓ ક્યારે શરૂ થશે? આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપ્યો જવાબ

16 January, 2022 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે કહ્યું કે શાળા શરૂ કરવા અંગે જુદા-જુદા મંતવ્યો છે

ફાઇલ તસવીર

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કારણે સરકારે ફરીથી શાળા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. શાળા બંધ કરવાના નિર્ણયનો ઘણા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે કહ્યું કે શાળા શરૂ કરવા અંગે જુદા-જુદા મંતવ્યો છે અને 15 દિવસ પછી તેના પર પુનર્વિચાર કરવામાં આવશે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે બાળકોમાં કોરોનાના કેસ ઓછા હોવાથી શાળાઓ શરૂ કરવાની ઘણા લોકો દ્વારા માગ કરવામાં આવી હતી. ટોપેએ એમ પણ કહ્યું હતું કે 15 દિવસનો સમય લઈને મુખ્ય પ્રધાનની વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.

રસીકરણના એક વર્ષ પૂર્ણ થવા પર બોલતા, રાજેશ ટોપેએ કહ્યું “આજનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે 90 ટકા લોકોને પ્રથમ ડોઝ આપ્યો છે. આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને અભિનંદન આપતા ટોપેએ કહ્યું કે “અમે રાજ્યના 62 ટકા લોકોને બીજો ડોઝ આપ્યો છે. જે લોકો રસી લેતા નથી તેમને જાગૃત કરવામાં આવશે અને ડોઝ આપવામાં આવશે.” ટોપેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 15થી 18 વર્ષની વયના 42 ટકા બાળકોને રસી આપવામાં આવી છે.

રાજેશ ટોપેએ જાલનામાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકરની હાલત સ્થિર છે. તેમણે બ્રીચ કેન્ડીના મેનેજમેન્ટને લતા મંગેશકરની સ્થિતિ અંગેના તમામ અપડેટ્સ મીડિયાને આપવા વિનંતી પણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે મેનેજમેન્ટ અને મંગેશકર પરિવાર સાથે મળીને ચર્ચા કરશે અને મીડિયાને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપશે.

mumbai news mumbai maharashtra