મહારાષ્ટ્રનાં પર્યટનસ્થળોએ પણ દિવાળી મનાવવા ધસારો

19 October, 2021 12:26 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

દોઢ વર્ષથી ઘરમાં ભરાઈ રહેલા લોકોએ માથેરાન, મહાબળેશ્વર, લોનાવલા અને ઇગતપુરી જેવાં હિલસ્ટેશનો તરફ દોટ મૂકી

ફાઈલ તસવીર

હવે જ્યારે બધું ખુલી ગયું છે ત્યારે મોટી સંખ્યામાં મુંબઈગરાઓએ શહેરની નજીકનાં માનીતાં હિલ સ્ટેશનો જેવાં કે માથેરાન, મહાબળેશ્વર, લોનાવલા અને ઇગતપુરીની દિશામાં દિવાળી માટે ઘસારો કર્યો છે. અત્યારે આ બધી જગ્યાએ હોટેલ્સનાં બુકિંગ પુરજોશમાં ચાલુ છે અને બધી જ હોટેલો દિવાળીના ૧૦ દિવસ પહેલાં જ બુકિંગમાં ફુલ થઈ જાય એવી શક્યતા છે.

૯૦ ટકા કરતાં વધુ બુકિંગ થઈ ગયું

માથેરાનના ગુજરાત ભવનના ઉમેશ દુબલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈગરાનો બહુ જ સારો રિસ્પૉન્સ છે. અત્યાર સુધીમાં અમારું દિવાળીનું ૯૦ ટકા જેટલું બુકિંગ થઈ ગયું છે. ગયા વર્ષે તો કોરોનાને કારણે માર પડ્યો હતો. જોકે હવે ફરી એક વાર લોકો ફરવા નીકળી રહ્યા છે. અમે દિવાળી સીઝનના જે રેટ હોય એ જ રેટ રાખ્યા છે, એમાં કોઈ વધારો કે ઘટાડો નથી કર્યો. કોરોના પહેલાં પણ દિવાળીમાં લોકો ફરવા આવતા અને બુકિંગ થતાં, પણ આ વખતે ૯૦ ટકા બુકિંગ તો ઑલરેડી થઈ ગયું છે. માથેરાનની અન્ય હોટેલોમાં પણ  લગભગ એવો જ ટ્રેન્ડ છે. પહેલાં દિવાળીનું બુકિંગ થતું, પણ આ રીતે નહીં. આ વખતે સીઝન સારી જશે એવું લાગી રહ્યું છે. હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક લોકોને કામકાજ મળશે.’ 

ઇન્કવાયરી ઘણી છે

નીતા ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના કવિત સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અફકોર્સ ઇન્કવાયરી સારી છે. ધીમે-ધીમે પીક-અપ પકડશે. ઑલરેડી મુંબઈમાં હવે ગરમી ચાલુ થઈ ગઈ છે એથી લોકો મહાબળેશ્વર જેવા હિલ સ્ટેશન પર વધુ જઈ રહ્યા છે. એ જ રીતે ગોવા અને શિરડી પણ ડિમાન્ડમાં છે. દોઢ વર્ષથી મંદિરો પણ બંધ હતાં એથી હવે દિવાળીમાં લોકો શિરડી પણ જવાનું પ્રિફર કરી રહ્યા છે. હાલ લોકોની ઇન્કવાયરી સારી છે, પણ એ સામે એટલું કન્ફર્મેશન નથી. લોકો ઇન્કવાયરી કરી પરિવાર સાથે બેસીને ચર્ચા કરીને નિર્ણય લેતા હોય છે એટલે ધીમે-ધીમે પીક-અપ પકડશે. જોકે કોરોનાનો પણ ડર છે કે કશું અજુગતું ન બને. આશા છે કે આ વર્ષે સીઝન સારી જશે.’

કોરોનાના નિયમો સાથે સારી સર્વિસ આપીશું

પંચગીનીના સમર પ્લાઝા રિસોર્ટના મનોજ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે ધંધા ઠપ થઈ ગયા હતા, પણ હવે દિવાળીથી એ ફરી એક વાર ચાલુ થઈ જશે. હાલ દિવાળીના ૪ દિવસનું ૫૦ ટકા કરતાં વધુ બુકિંગ થઈ ગયું છે. દિવાળી પહેલાં જ એ ફુલ થઈ જશે એવું લાગી રહ્યું છે. લોકોમાં જે રીતે ઉત્સાહ છે એ રીતે અમે પણ ખુશ છીએ. એમ છતાં કોરોનાના જે નિયમો છે એ તો પાળવા જ પડશે જેમ કે માસ્ક પહેરવો, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું વગેરે. સ્વિમિંગ-પૂલ ચાલુ છે, પણ એમાં એકસાથે લિમિટેડ લોકોને જ પ્રવેશ અપાશે. એવું જ રેસ્ટોરાંનું છે. એકસાથે એ ફુલ ન થઈ જાય એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે. ઓવરઑલ દિવાળી પછી બધું ફરી ધમધમવા માંડશે એવી આશા છે.’

ગેમઝોન ચાલુ, બાળકોને જલસો 

લોનાવલાના કુમાર રિસૉર્ટના અથર્વ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ત્યાં વૉટર પાર્ક બંધ છે, પણ સ્વિમિંગ-પૂલ અને ગેમઝોન ચાલુ છે. હાલ ૫૦ ટકા તો બુકિંગ ફુલ છે. બાળકોને લાંબા સમય પછી ગેમઝોનમાં રમવાનો જલસો પડી જશે. દિવાળીએ જે રેટ હોય છે એ જ રેટ છે. લોકો બુકિંગ કરાવી રહ્યા છે. ફરી એક વાર દિવાળીની રોનક જોવા મળશે.’ 

mumbai mumbai news maharashtra mahabaleshwar matheran lonavla lonavala bakulesh trivedi