ચાલુ ટ્રેનમાં મહારાષ્ટ્રના આ ધારાસભ્યનો ચોરાઈ ગયો મોબાઈલ!

18 June, 2022 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જોરગેવાર કુર્દુવાડી રેલવે સ્ટેશનથી સિદ્ધેશ્વર એક્સપ્રેસમાં ચડ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

રેલવેના એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહેલા અપક્ષ ધારાસભ્ય કિશોર જોરગેવારના બંને ફોન ચોરાઈ ગયા હતા. શુક્રવારે સવારે મુંબઈ પહોંચ્યા બાદ જોગરેવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ તેમણે રેલવે મંત્રીને પત્ર પણ લખ્યો હતો. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ તેમણે મોબાઈલ કંપનીઓમાં નવા સીમકાર્ડ માટે અરજી કરી છે. તે જ સમયે, પોલીસ આરોપીઓની ઓળખ માટે સ્ટેશનો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી રહી છે.

ચંદ્રપુરના ધારાસભ્ય કિશોર જોરગેવાર પંઢરપુરથી મુંબઈ આવી રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા જોરગેવારે જણાવ્યું કે તેઓ પંચાયત રાજ પ્રવાસ પર હતા. પ્રવાસ પૂરો થયા બાદ તેમણે પંઢરપુરથી મુંબઈ જવા માટે ટ્રેન પકડી હતી. જોરગેવાર કુર્દુવાડી રેલવે સ્ટેશનથી સિદ્ધેશ્વર એક્સપ્રેસમાં ચડ્યા હતા. રાત્રે સૂતી વખતે તેમણે પોતાનો મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો, પરંતુ સવારે તેના બંને ફોન ગાયબ હતા.

જોગરેવારે બીજાના ફોન પરથી તેના મોબાઈલ પર કોલ કર્યો, તો નંબરો સ્વીચ ઓફ આવ્યા હતા, જે બાદ તેમને ખબર પડી કે તેમના ફોન ચોરાઈ ગયા છે. જોગરેવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તેમને ખ્યાલ નહોતો કે રેલવેના એસી ફર્સ્ટ ક્લાસમાંથી તેમનો ફોન ચોરાઈ જશે.

mumbai mumbai news