એક જ દિવસમાં રાજ્યમાં આવ્યા ઓમાઇક્રોનના નવા સાત કેસ

06 December, 2021 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે પિંપરી-ચિંચવડમાં ૬ અને પુણેમાં ૧ કેસ સામે આવતાં મહારાષ્ટ્રમાં કુલ આંકડો થયો આઠનો, જ્યારે મોડી રાત્રે જયપુરમાં ૯ નવા કેસ આવતાં દેશમાં કુલ કેસ થયા એકવીસ

ફાઈલ તસવીર

મિડ-ડે પ્રતિનિધિ
feedbackgmd@mid-day.com
મુંબઈ ઃ શનિવારે કલ્યાણ-ડોમ્બિવલીમાં જોખમી ગણાતા ઓમાઇક્રોનનો રાજ્યમાં પહેલો કેસ નોંધાયા બાદ ગઈ કાલે પુણે નજીકના પિંપરી-ચિંચવડમાં ૬ અને પુણેમાં ૧ મળીને કુલ ૭ નવા કેસ નોંધાયા હતા. આ સાથે કર્ણાટકમાં ૨ અને ગુજરાત-દિલ્હીમાં ૧-૧ કેસ સાથે કુલ ૪ તો એકલા મહારાષ્ટ્રમાં જ અત્યાર સુધી ઓમાઇક્રોનના કેસની સંખ્યા ૮ થવાથી ચિંતામાં વધારો થયો છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં આખા દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા. હવે જ્યારે વધુ જોખમી ગણાતા નવા વેરિઅન્ટ ઓમાઇક્રોનના કેસની અત્યાર સુધી સૌથી મોટી સંખ્યા મહારાષ્ટ્રમાં જ નોંધાઈ છે. જોકે મોડી રાત્રે રાજસ્થાનના જયપુરમાં એકસાથે ઓમાઇક્રોનના નવ કેસ આવ્યા હતા.
૨૪ નવેમ્બરે આફ્રિકાના નાઇજીરિયા દેશના લાગોસ શહેરથી પુણે નજીકના પિંપરી-ચિંચવડમાં રહેતા ભાઈને મળવા ૪૪ વર્ષની એક મહિલા ભારત આવી હતી. તેની સાથે બે પુત્ર અને પિંપરી-ચિંચવડમાં રહેતા તેના ભાઈ અને તેની બે પુત્રી મળીને કુલ ૬ લોકોની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમના બ્લડનાં સૅમ્પલ્સ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. આ તમામના રિપોર્ટ ગઈ કાલે સાંજે આવ્યા હતા અને તેઓ ઓમાઇક્રોનથી સંક્રમિત હોવાનું જણાયું હતું. એ સિવાય પુણે શહેરમાં રહેતા ૪૭ વર્ષના એક પુરુષને પણ નવા વેરિઅન્ટ ઓમાઇક્રોનનું સંક્રમણ થયું હોવાનું નૅશનલ કેમિકલ લૅબોરેટરીએ જાહેર કરેલા અહેવાલમાં જણાઈ આવ્યું હતું.
પિંપરી-ચિંચવડના છ લોકોમાંથી ત્રણ નાઇજીરિયન છે, જ્યારે બાકીના ત્રણ તેમની નજીકમાં રહેનારાઓ છે. નાઇજીરિયન નાગરિક એવી ભારતીય વંશની ૪૪ વર્ષની મહિલા તેના ૧૨ અને ૮ વર્ષના બે પુત્ર સાથે તેના ભાઈને મળવા માટે પુણે આવી હતી. આ ત્રણેય આફ્રિકાથી ઓમાઇક્રોન વાઇરસ પોતાની સાથે લાવ્યા હોવાનું રિપોર્ટ પરથી જણાઈ આવ્યું છે. તેમના નજીકના ત્રણ લોકોમાં તેના ૪૫ વર્ષના ભાઈ અને તેની દોઢ અને સાત વર્ષની બે પુત્રીની ટેસ્ટ પણ ઓમાઇક્રોન પૉઝિટિવ આવી છે.
પિંપરી-ચિંચવડની સંક્રમિત થનારી ત્રણ વ્યક્તિમાંથી ત્રણ ૧૮ વર્ષથી નીચેની હોવાથી તેમનું વૅક્સિનેશન નથી થયું. બાકીના તમામે વૅક્સિનના બંને ડોઝ લીધા હોવાનું જણાયું છે. ત્રણમાંથી બે વ્યક્તિએ કોવિશીલ્ડ તો એક વ્યક્તિએ કોવૅક્સિનના ડોઝ લીધા હતા. આ તમામ દરદીઓને અત્યારે પિંપરી ખાતેની જીજામાતા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાની સાથે તેમનાં લક્ષણ હળવા હોવાનું ડૉક્ટરોએ કહ્યંડ છે.
પુણે શહેરમાં રહેતા ૪૭ વર્ષના પુરુષની રૂટીન કોવિડ ટેસ્ટ દરમ્યાન પૉઝિટિવ હોવાનું જણાયું હતું. તે ૧૮થી ૨૫ નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન ફિનલૅન્ડમાં હતો. ૨૯ નવેમ્બરે તેને તાવ આવવાથી રૂટીન ચેક-અપ કરતાં તેની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. કોવિશીલ્ડ વૅક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં તેને કોઈ પણ પ્રકારનાં લક્ષણો નહોતાં દેખાયાં. જિનોમ સીક્વન્સિંગમાં આ વ્યક્તિ ઓમાઇક્રોન સંક્રમિત હોવાનું જણાયું હતું.

કલ્યાણ-ડોમ્બિવલીમાં વધુ ૬ લોકો કોરોના પૉઝિટિવ
કલ્યાણ-ડોમ્બિવલીમાં રાજ્યનો પહેલો ઓમાઇક્રોન સંક્રમિત ૩૩ વર્ષનો કેસ નોંધાયા બાદ વિદેશથી આવેલા ૬ લોકોની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ પ્રવાસીઓ હાઈ રિસ્ક દેશોમાંથી નથી આવ્યા અને છમાંથી ચાર વ્યક્તિ નાઇજીરિયન છે, જ્યારે એક-એક દરદી નેપાલ અને રશિયાના હોવાની માહિતી કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ આપી હતી. આ તમામનાં સૅમ્પલ્સ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે. સાઉથ આફ્રિકાથી આવેલા ઓમાઇક્રોન પૉઝિટિવ દરદી સાથે ફ્લાઇટમાં ૪૨ પ્રવાસીઓ હતા. આ ૪૨માંથી એક પ્રવાસી ડોમ્બિવલીમાં હોવાનું જણાયું હતું. ૫૦ વર્ષના આ પ્રવાસીએ દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ કર્યો હતો. જોકે તેની કોરોના ટેસ્ટ નેગેટિવ આવી હતી. સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, હૉન્ગકૉન્ગ જેવા કેટલાક દેશોમાં ઓમાઇક્રોન વાઇરસના કેસ વધી રહ્યા હોવાથી આ દેશોમાંથી મુંબઈ આવેલા પ્રવાસીઓને હાઈ રિસ્ક દેશોના લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે નેપાલ, રશિયા સહિતના દેશમાંથી તાજેતરમાં આવેલા પ્રવાસીઓની કોવિડ ટેસ્ટમાંથી ૬ યાત્રાળુઓની ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું જાણવા મળ્યું હતું. 


પુણે જિલ્લામાં આવ્યા ૪૩૮ વિદેશી નાગરિકો
પુણે જિલ્લામાં અત્યાર સુધી ૪૩૮ વિદેશીથી યાત્રાળુ આવ્યા છે. એમાંથી ૩૭૦ નાગરિક પુણે શહેરની હદમાં છે. આ ૩૭૦ લોકોમાંથી અત્યાર સુધી ૩૩૫ લોકોને પુણે મહાનગરપાલિકાએ શોધી કાઢ્યા છે. આમાંથી ૨૬૭ લોકોની આરટી-પીસીઆર ટેસ્ટ કરાઈ છે, જે તમામ નેગેટિવ રહી છે. પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકા ક્ષેત્રમાં ૧૩૧ તો ગ્રામીણ વિસ્તારોમાં ૬૭ લોકો વિદેશથી આવ્યા છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં મોટા પ્રમાણમાં વિદેશીઓ પુણે જિલ્લામાં આવ્યા હોવાની સાથે અહીં એક જ દિવસમાં ઓમાઇક્રોનના સાત કેસ નોંધાતાં પ્રશાસન અલર્ટ મોડમાં આવી ગયું છે. ઍરપોર્ટ પર દરેક પ્રવાસીની આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની સાથે જરૂરી લાગશે તો જમ્બો કોવિડ સેન્ટર શરૂ કરવાની તૈયારીમાં પ્રશાસન લાગી ગયું છે. આ સિવાય વૅક્સિનેશન ઝડપી બનાવવા માટેના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

mumbai mumbai news Omicron Variant maharashtra