રાજ્યને આપવામાં આવતો કોલસો હલકી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ

16 October, 2011 07:59 PM IST  | 

રાજ્યને આપવામાં આવતો કોલસો હલકી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ

 

મહાજેનકોના એમડી (મૅનેજિંગ ડિરેક્ટર) સુબ્રત રથોએ કહ્યું હતું કે ‘વેસ્ટર્ન કોલફીલ્ડની કોલસાની ખાણોમાં માફિયાનું રાજ ચાલે છે. તેઓ પ્રાઇવેટ ખરીદદારોને સારી ગુણવત્તાનો કોલસો આપે છે; જ્યારે મહારાષ્ટ્રને માટી, કાદવ અને પથ્થરમિશ્રિત કોલસો આપે છે.’

વેસ્ટર્ન કોલફીલ્ડ દ્વારા આપવામાં આવેલા કોલસામાંથી ૨૧ ટકા કોલસો પાછો મોકલવામાં આવ્યો હોવાથી રાજ્યમાં લોડશેડિંગનું સંકટ લદાયું હોવાના આરોપનો જવાબ આપતાં સુબ્રત રથોએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન કોલફીલ્ડનો કોલસો બીજો કોઈ વિકલ્પ ન હોવાથી સ્વીકારવામાં આવે છે. આને કારણે વીજઉત્પાદન પર એની અસર થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

લોડશેડિંગ માટે મહાવિતરણ જ જવાબદાર

મહાજેનકો ઑક્ટોબર મહિનામાં ૪૦૦૦ મેગાવૉટ વીજળી ઉપલબ્ધ કરાવવાની હતી અને હાલમાં ૩૬૦૦ મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. મહાજેનકો માત્ર ૪૦૦ મેગાવૉટના શૉર્ટફૉલ માટે જવાબદાર છે અને આમ બાકીના શૉર્ટફૉલ માટે મહાવિતરણ જવાબદાર હોવાનો આડકતરો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કોલ ઇન્ડિયાના કર્મચારીઓ પ્રસ્તાવિત હડતાળ પર જશે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી જવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

દરમ્યાન તેલંગણા રાજ્ય માટે ચાલી રહેલા આંદોલન અને ઓડિસામાં આવેલા પૂરને કારણે આખા દેશમાં કોલસાની ભારે અછત સર્જાઈ છે. આને કારણે દિવાળીના દિવસોમાં અડધો દેશ અંધારામાં ડૂબી જવાની શક્યતા નર્મિાણ થઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં અત્યારથી જ ચાર કલાકથી વધુનું લોડશેડિંગ ચાલુ થઈ ગયું છે. દેશનાં ૮૬ થર્મલ પાવર-સ્ટેશનો દેશના કુલ વીજઉત્પાદનના ૬૪ ટકા વીજળીનું ઉત્પાદન કરે છે અને આમાંથી અડધાં થર્મલ પાવર-સ્ટેશનોમાં માત્ર ચારથી છ દિવસ ચાલે એટલો જ કોલસો ઉપલબ્ધ છે.

વીજળીના દરમાં વધારો થઈ શકે

એક તરફ દેશના અંતર્ગત કોલસાની તીવ્ર અછત નર્મિાણ થઈ છે, જ્યારે બીજી તરફ ગોદીમાં આયાતી કોલસો મોટા પ્રમાણમાં પડ્યો છે. આયાતી કોલસાની ગુણવત્તા સારી હોવા છતાં એની કિંમત ત્રણગણી હોવાથી જો વીજઉત્પાદન માટે આયાતી કોલસાનો ઉપયોગ કરવામાં આવશે તો વીજદરમાં વધારો કરવો પડશે. વીજના દરવધારા પર નિયંત્રણ રાખવા માટે સત્તા છે, પરંતુ કોલસાના દરવધારા પર નિયંત્રણ રાખવાની કોઈ સત્તા ન હોવાથી વીજઉત્પાદન કેન્દ્રોને તકલીફોનો સામનો કરવો પડે છે. મહાજેનકોના એમડી સુબ્રત રથોએ કહ્યું હતું કે જો સરકાર સબસિડી આપશે તો જ વીજદરવધારાને રોકી શકાશે.

કેન્દ્રની વધુ સહાયથી પાવરકટમાં રાહત

વીજળીની અછતની સમસ્યાથી ગ્રસ્ત મહારાષ્ટ્રને વધારાનો ૨૦૦ મેગાવૉટ પાવર-સપ્લાય કેન્દ્ર તરફથી મળતાં થોડી રાહતનો અનુભવ થયો છે. અત્યાર સુધી કુલ ૫૦૦ મેગાવૉટ પાવર-સપ્લાય આપવામાં આવ્યો છે. ૪૦૦ મેગાવૉટ

પાવર-સપ્લાયથી થાણે, નવી મુંબઈ, પુણે, નાગપુર શહેરને એક કલાક સુધી વીજપુરવઠો પૂરો પાડી શકાય છે. તેથી શુક્રવારે રાજ્યમાં પાવરકટમાં ૪૫ મિનિટથી એક કલાક સુધીના સમયનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુરુવારે કેન્દ્ર દ્વારા ૩૦૦ મેગાવૉટનો વીજપુરવઠો મળતાં અનિયમિત રીતે કરવામાં આવતું લોડશેડિંગ રોકવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોલસાનો પુરવઠો મળતાં ૭૦૦ મેગાવૉટ વીજળીનું નર્મિાણ કરવામાં આવશે.