મહારાષ્ટ્રના રાજભવનનો સ્ટાફ ચાલીના રૂમમાંથી સીફેસ ફ્લૅટમાં

23 May, 2015 05:48 AM IST  | 

મહારાષ્ટ્રના રાજભવનનો સ્ટાફ ચાલીના રૂમમાંથી સીફેસ ફ્લૅટમાં



મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવાસ રાજભવનમાં કામ કરતા જુનિયર લેવલના કર્મચારીઓ ૧૦૦ ચોરસફુટની ચાલીઓમાંથી છુટકારો મેળવીને ટૂંક સમયમાં સીફેસના ફ્લૅટ્સમાં રહેવા જશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલના ગ્રુપ-c અને ગ્રુપ-Dના સ્ટાફ માટે બાંધવામાં આવેલા ૬૩ સીફેસ ક્વૉર્ટર્સ (ફ્લૅટ્સ)ની ચાવીઓ ૨૬ મેએ સુપરત કરશે. ફડણવીસ રાજ્યપાલના સ્ટાફ માટે બાંધવામાં આવેલા ૧૪ માળના મકાનનું અનાવરણ કરશે. એ કાર્યક્રમના પ્રમુખપદે રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ હાજરી આપશે. બે લિફ્ટ ધરાવતા એ મકાનમાં નવ માળ સુધી ૩૬૦ ચોરસફુટના વન BHKના ફ્લૅટ્સ ગ્રુપ-Dના કર્મચારીઓને અને ૧૦માથી ૧૪મા માળ સુધી ૪૯૦ ચોરસફુટના વન અથવા ટૂ BHKના ફ્લૅટ્સ ગ્રુપ-Dના કર્મચારીઓને ફાળવવામાં આવશે. ગ્રુપ-Dના કર્મચારીઓમાં માળીઓ, ઝાડુવાળાઓ, રસોઇયાઓ વગેરે કર્મચારીઓનો સમાવેશ છે અને ગ્રુપ-Dના કર્મચારીઓમાં ક્લેરિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓનો સમાવેશ છે.૨૦૦૭ સુધી રાજભવનના ગ્રુપ-Dના કર્મચારીઓ ૧૦ બાય ૧૦ ફુટની રૂમો ધરાવતી ચાલીઓમાં રહેતા હતા. એમાં દરેક માળ પર કૉમન ટૉઇલેટ્સ અને બાથરૂમ્સ હતાં.

૨૦૦૪માં એ વખતના રાજ્યપાલ મોહમ્મદ ફઝલે મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેને રાજભવનના કર્મચારીઓની જૂની ચાલીઓ તોડીને એની જગ્યાએ ૩૬૦ ચોરસફુટના સારા ફ્લૅટ્સ ધરાવતો ટાવર બાંધી આપવાની ભલામણ કરી હતી. એ મકાનની પ્રથમ ‘A’ વિન્ગનું શિલારોપણ રાજ્યપાલ મોહમ્મદ ફઝલના હસ્તે ૧૭ જુલાઈ, ૨૦૦૪ના દિવસે કરવામાં આવ્યું હતું. પ્રથમ ‘A’ વિન્ગનું બાંધકામ ૨૦૧૧માં પૂરું થયું હતું.૨૦૧૧ની ૧૦ મેએ એ વખતના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ અને રાજ્યપાલ કે. શંકરનારાયણના હસ્તે ‘A’ વિન્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ‘A’ વિન્ગમાં ૩૬૦ ચોરસફુટનાં ૬૮ રહેઠાણો છે અને ‘B’ વિન્ગનાં રહેઠાણો બાંધાઈ ચૂક્યાં હોવાથી એનું ઉદ્ઘાટન ૨૬ મેએ કરવામાં આવશે. ‘B’ વિન્ગનાં રહેઠાણો પણ બંધાઈ જતાં બન્ને વિન્ગ્સમાં રાજભવનના કુલ ૧૩૧ કર્મચારીઓના પરિવારો માટે રહેવાની જોગવાઈ થઈ છે. ‘B’ વિન્ગના બાંધકામનો ખર્ચ સિવિલ અને ઇલેક્ટ્રિકલ કૉન્ટ્રૅક્ટ્સ સહિત ૧૯.૧૫ કરોડ રૂપિયા થયો છે.