પ્રૉપર્ટી ડૉક્યુમેન્ટ્સમાં હવે ઑનલાઇન પોર્ટલની મદદથી ફેરફાર કરી શકાશે

23 March, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ માટે પ્રૉપર્ટી મ્યુટેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું, ૪૫ પ્રકારના પ્રૉપર્ટી સંબંધિત ફેરફારો ઑનલાઇન થશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં સંપૂર્ણ ઑનલાઇન પ્રૉપર્ટી મ્યુટેશન (ડૉક્યુમેન્ટ્સમાં ફેરફાર કરવાની) સુવિધા પૂરી પાડતું એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. હવે પ્રૉપર્ટીના દસ્તાવેજોમાં ફેરફાર કરવા માટે સરકારી ઑફિસોના ધક્કા નહીં ખાવા પડે. ગઈ કાલે ગુઢીપાડવાના શુભ દિને રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેએ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પોર્ટલ epsitmumc.mahabhumi.gov.inનું ઉદ્ઘાટન કર્યું હતું.

નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) સહિતના પ્રૉપર્ટીમાલિકો પ્રૉપર્ટી કાર્ડમાં નામ ટ્રાન્સફર અને અન્ય ફેરફારો માટે આ વેબસાઇટ દ્વારા ગમે ત્યાંથી અરજી કરી શકાશે. નૅશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસાવવામાં આવેલું આ પોર્ટલ રિયલ-ટાઇમ SMS નોટિફિકેશન પણ આપશે અને ઑનલાઇન સ્ટેટસ ટ્રૅકિંગની સુવિધા પણ આપે છે.

સેલ્સ-ડીડ, વારસો, ગિફ્ટ-ડીડ, લીઝ, મૉર્ગેજ અને જમીનસંપાદન જેવા ૪૫ પ્રકારના પ્રૉપર્ટી સંબંધિત ફેરફારો હવે ઑનલાઇન પ્રક્રિયાથી કરી શકાય છે. જો અરજદારોને ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડે તો મદદ કરવા માટે મુંબઈ સિટી કલેક્ટર ઑફિસમાં એક હેલ્પ-ડેસ્ક સ્થાપવામાં આવી છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra property tax real estate