...તો ગડકરી ને ફડણવીસ અલગ વિદર્ભની વાત કરે છે : ઉદ્ધવ

08 October, 2014 03:17 AM IST  | 

...તો ગડકરી ને ફડણવીસ અલગ વિદર્ભની વાત કરે છે : ઉદ્ધવ




મહારાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બપોરે ધુળેની પ્રચારસભામાં મહારાષ્ટ્રને તૂટવા નહીં દઉં એવી ખાતરી આપી હતી ત્યારે બીડમાં શિવસેના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરેએ સવાલ કર્યો હતો કે ‘તેઓ કહે છે કે મહારાષ્ટ્રના ટુકડા નહીં કરવા દઈએ, પણ બીજી બાજુ BJPના બીજા નેતાઓ નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ વિદર્ભ તોડવાની વાત કરે છે. શું મહારાષ્ટ્રને તોડવા માટે શિવાજી મહારાજના આશીર્વાદ જોઈએ છે? શું મહારાષ્ટ્રના લોકો એ તોડવાનાં સપનાં જોનારાઓને મત આપશે?

BJPની વિરુદ્ધમાં બોલીશ

ઉદ્ધવ ઠાકરે BJPની વિરુદ્ધમાં જ બોલવાના છે એવો સંકેત આપીને તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાનના સ્ટેટમેન્ટની ૧૦ મિનિટ બાદ નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં એવું કહે છે કે નરેન્દ્ર મોદી મુંબઈ માટે બોલતા હતા, અમે વિદર્ભને અલગ કરવાના છીએ. મહારાષ્ટ્રમાં એક તરફ લૂંટ ચલાવનારાઓની ટોળકી છે અને બીજી તરફ ભાગલા પાડનારા બેઠા છે એવામાં તમે કોને મત આપશો? હું BJPની વિરુદ્ધમાં જ બોલીશ.’

ગોપીનાથ મુંડેની યાદ

બીડમાં પ્રચારસભાને સંબોધતાં તેમણે BJPના દિવંગત નેતા ગોપીનાથ મુંડેને યાદ કરીને કહ્યું હતું કે ‘ગોપીનાથ મુંડે લોકનેતા હતા. જગ્યાની વહેંચણી વખતે ગોપીનાથ મુંડે પ્રેમથી સીટોની માગણી કરતા અને બાળ ઠાકરે તેમને સીટો વધારીને આપતા હતા. તેમને BJPમાં ખૂબ સહન કરવું પડ્યું હતું. મુંડેના આકસ્મિક મૃત્યુની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા થવી જોઈએ એવી મારી માગણી હતી પણ એ વિશે હજી સુધી નિર્ણય લેવાયો નથી. BJPના લોકોને હવે મુંડે પ્રતિ એકાએક પ્રેમ ઊભરાઈ આવ્યો છે. ગોપીનાથ મુંડે હોત તો મારે આવવાની જરૂર ન હોત એવું કહેવામાં આવી રહ્યું છે.’