પવાર હજી પણ બની શકે છે કિંગમેકર

22 June, 2022 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તેઓ બીજેપી સાથે મળીને સરકાર બનાવવાનું નક્કી કરે તો

શરદ પવાર


શિવસેનાના નારાજ પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં વિધાનસભ્યો બીજેપીશાસિત ગુજરાતમાં જઈ પહોંચવા સાથે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર મુસીબતમાં મુકાઈ ગઈ છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ) અને બીજેપીએ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં પાંચ-પાંચ બેઠકો જીતી એના કલાકો બાદ આ ઘટનાક્રમ આકાર પામ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકો છે. એક વિધાનસભ્યના અવસાન સાથે સંખ્યા ઘટીને ૨૮૭ થઈ છે. એનો અર્થ એ કે હવે વિશ્વાસના મતની સ્થિતિમાં વિધાનસભામાં બહુમતીનો આંક ૧૪૪નો છે. સેના, એનસીપી અને કૉન્ગ્રેસની એમવીએ સરકાર હાલમાં ૧૫૨ વિધાનસભ્યો ધરાવે છે. વિપક્ષ બીજેપીએ એની પાસે ૧૩૪ વિધાનસભ્યો હોવાનો દાવો કર્યો છે.
હવે જો એકનાથ શિંદેની આગેવાનીના સમર્થક વિધાનસભ્યો રાજીનામું આપી દે તો સેનાની સંખ્યા ઘટીને ૩૪ થઈ જાય. આમ થવાથી ગૃહમાં શાસક ગઠબંધનનું બળ ઘટીને ૧૩૦ થશે. ૨૨ વિધાનસભ્યોનાં રાજીનામાં સાથે ગૃહમાં બહુમતી માટેનો નવો આંક ૧૩૩ થશે. આ સ્થિતિમાં બે સંભવિત ચિત્ર ઊપસી શકે છે.
સેનાના વિધાનસભ્યો ઘટે તો સરકાર ઊથલી પડે, પણ એકેય પક્ષ સરકાર રચવા માટે પૂરતી બહુમતી ધરાવતો નથી. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિશાસન લાગુ પડશે અથવા તો એમવીએ રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શરદ પવાર ફરી એક વખત કિંગમેકર બની શકે છે.
શરદ પવારના ૫૩ વિધાનસભ્યો પાસે ચાવી રહેલી છે. શું એનસીપી સુપ્રીમો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની વહેલી સવારની શપથવિધિ ભૂલી જઈને બીજેપી સાથે હાથ મિલાવશે? આમ શરદ પવાર હાલ બીજેપીવિરોધી જોડાણમાં મહત્ત્વની વ્યક્તિ છે.

mumbai news sharad pawar