11 February, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરેને તેમના ઘરે મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ.
મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈ કાલે મોટી હલચલ જોવા મળી હતી. સવારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની મુલાકાત કર્યા બાદ બપોરના ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ મિલિંદ નાર્વેકર, સુભાષ દેસાઈ અને અંબાદાસ દાનવે સાગર બંગલામાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. એક જ દિવસમાં મુખ્ય પ્રધાન સાથે MNS અને ઉદ્ધવ ઠાકરેના નેતાઓની મુલાકાત થવાથી રાજકીય માહોલ ગઈ કાલે ગરમાયો હતો.
સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતાઓએ દાદરમાં ઊભા કરવામાં આવી રહેલા બાળાસાહેબ ઠાકરેના સ્મારકના કામ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. જોકે આ વિશે કોઈએ સ્પષ્ટતા નથી કરી. સ્મારકનું પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે અને બાકીનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ વિશે ઉદ્ધવ ઠાકરેના નેતાઓએ મુખ્ય પ્રધાન પાસે કોઈ માગણી કરી છે કેમ એ જાણવા નહોતું મળ્યું, કારણ કે સાગર બંગલામાંથી બહાર નીકળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના ત્રણેય નેતાએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉદ્ધવ ઠાકરેના ત્રણ નેતાઓની મુલાકાત.
રાજ ઠાકરેને બ્રેકફાસ્ટ પર મળવા ગયેલા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘અમારી વચ્ચે રાજકારણની કોઈ ચર્ચા નથી થઈ. ઇલેક્શન બાદ મને રાજ ઠાકરેજીનો અભિનંદન માટે ફોન આવ્યો હતો ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું ઘરે આવીશ. બસ, મેં કરેલો વાયદો પૂરો કરવા હું ગયો હતો.’
જોકે જાણકારોનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીમાં માહિમ બેઠક પર ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ઉમેદવારની સામે ચૂંટણી હારી જનારા અમિત ઠાકરેને વિધાન પરિષદમાં મોકલવાની ઑફર આપવા મુખ્ય પ્રધાન આવ્યા હોવા જોઈએ. આમ પણ ભારતીય જનતા પાર્ટીની ઇચ્છા આગામી મહાનગરપાલિકાની ચૂંટણી રાજ ઠાકરેની પાર્ટીને પણ સાથે લઈને લડવાની છે. વિધાનસભાની ચૂંટણી વખતે એકનાથ શિંદેને લીધે રાજ ઠાકરે યુતિમાં સામેલ નહોતા થઈ શક્યા એવું કહેવાય છે.