ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી

29 June, 2022 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમતી ગુમાવી હોવાનો દાવો કરીને આવતી કાલે વિશેષ અધિવેશન બોલાવીને વિશ્વાસનો મત કરાવવાની રાજ્યપાલ સમક્ષ કરી માગણી

ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી

મુંબઈ : શિવસેનામાં ૪૦ જેટલા વિધાનસભ્યોએ બળવો કરવાને લીધે મહા વિકાસ આઘાડી સરકારે બહુમતી ગુમાવી દીધી હોવાથી રાજ્યપાલે વિશેષ અધિવેશન બોલાવવાની માગણી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત બીજેપીના વરિષ્ઠ નેતાઓએ ગઈ કાલે રાતે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને કરી હતી. 
એકનાથ શિંદે જૂથના ૫૦ વિધાનસભ્યોએ ગઈ કાલે રાજ્યપાલને શિવસેનાની આગેવાનીની મહા વિકાસ આઘાડી સરકારમાંથી સમર્થન કાઢી લીધું હોવાનો પત્ર ઈ-મેઇલ મારફતે મોકલ્યો હતો. આ પત્ર રાજ્યપાલને મોકલાયા બાદ ગઈ કાલે બીજેપી સક્રિય બની હતી. દેવેન્દ્ર ફડણવીસ, આશિષ શેલાર, પ્રવીણ દરેકર અને ચંદ્રકાન્ત પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓ ગઈ કાલે રાતે રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા અને તેમણે એક પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સોંપીને સરકારને બહુમત સિદ્ધ કરવા માટે વિધાનસભાનું તાત્કાલિક વિશેષ અધિવેશન બોલાવવાની માગણી કરી હતી, જેના પર રાજ્યપાલ શું નિર્ણય લે છે એના પર છે બધાની નજર. 
દેવેન્દ્ર ફડણવીસની રાજ્યપાલ સાથેની મીટિંગ બાદ ગુવાહાટીમાં શિંદે ગ્રુપે પણ આગળની રણનિતી માટે બેઠક બોલાવી હતી. 
રાજ્યપાલને સોંપવામાં આવેલા પત્રમાં પાંચ પૉઇન્ટ લખવામાં આવ્યા હતા; એક, ૩૦ જૂને વિશ્વાસના મત માટે વિશેષ અધિવેશન બોલાવવામાં આવે. બે, વિશેષ અધિવેશન સવારે ૧૧થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી બોલાવવું. ત્રણ, અધિવેશનમાં સાંજે ૫.૩૦ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઈ જાય એ રીતે ભાષણ ટૂંકમાં રાખવાં. ચાર, ફ્લોર ટેસ્ટ દરમ્યાન ન્યુટ્રલ એજન્સી દ્વારા વિડિયો રેકૉર્ડિંગ કરવામાં આવે અને પાંચ, વિશેષ અધિવેશન દરમ્યાન વિધાનસભ્યોની સલામતી માટે સદનની બહાર અને અંદર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવે. 

છેલ્લી વાર વિનંતી કરું છું કે બીજેપી સાથે આવો : દીપક કેસરકર

એકનાથ શિંદે જૂથમાં સામેલ સાવંતવાડીના વિધાનસભ્ય દીપક કેસરકરે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે ‘છેલ્લી વખત હાથ જોડીને વિનંતી કરું છું કે બીજેપી સાથે આવો. સંજય રાઉતને લીધે શિવસેનાથી બીજેપી જુદી થઈ. આથી આદિત્ય ઠાકરેએ સંજય રાઉતની ભાષા ન બોલવી જોઈએ. અમારો પ્રેમ અને આશીર્વાદ તેની સાથે છે એટલે તેણે સારું કામ કરવું જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનું વચન આપ્યું હોવા છતાં તેમને આ પદ ન આપતાં તેઓ નારાજ નહોતા થયા. તેઓ શિવસેનાની સાથે જ રહ્યા હતા. જોકે એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવ્યા બાદ તેમને ત્રાસ આપવામાં આવતાં તેઓ નારાજ થયા.’

mumbai mumbai news shiv sena bharatiya janata party maharashtra