વર્ષા બંગલો છોડ્યા બાદ ઠેર-ઠેર ઉદ્ધવ ઠાકરેનું શિવસૈનિકોએ સ્વાગત કર્યું

23 June, 2022 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષા બંગલોની બહાર એકત્રિત થયેલા શિવસૈનિકોએ તેમની કાર રોકીને તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા

ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ આપવા માતોશ્રીની બહાર એકઠા થયેલા શિવસેનાના સપોર્ટરો (તસવીર : પીટીઆઇ)

મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યે જનતાને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે હું આજે વર્ષા બંગલો છોડીને માતોશ્રીમાં જઈશ. કહેવા મુજબ ગઈ કાલે રાત્રે દસેક વાગ્યે ઉદ્ધવ ઠાકરે મલબાર હિલમાં આવેલા મુખ્ય પ્રધાનના સત્તાવાર બંગલા વર્ષામાંથી તેમના સમર્થકો સાથે નીકળ્યા હતા. આ સમયે શિવસૈનિકોએ તેમના પર ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો. એટલું જ નહીં, વર્ષા બંગલોની બહાર એકત્રિત થયેલા શિવસૈનિકોએ તેમની કાર રોકીને તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા.

કાર વર્ષા બંગલોથી બહાર નીકળ્યા બાદ ઠેર-ઠેર તેમનું સ્વાગત શિવસૈનિકોએ કરીને તેઓ તેમની સાથે હોવાનો સૂત્રોચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેના બાંદરાના કલાનગરમાં આવેલા માતોશ્રી ખાતેના નિવાસસ્થાન પાસે મોટી સંખ્યામાં શિવસૈનિકો એકત્રિત થયા હતા. તેમણે પણ તેમના નેતાની કાર પર ફૂલો વરસાવીને સ્વાગત કર્યું હતું.

દરમ્યાન, એકનાથ શિંદેને મનાવવાના છેલ્લા પ્રયાસ તરીકે ઉદ્ધવ ઠાકરેએ તેમના વિશ્વાસુ ગુલાબરાવ પાટીલને ગુવાહાટી મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમના પછી એકનાથ શિંદેના વિશ્વાસુ દાદા ભીસે જે અત્યારે મુંબઈમાં છે તેઓ પણ ગુવાહાટી જવાની શક્યતા છે.

mumbai mumbai news maharashtra shiv sena