સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો જોવા મળશે

23 June, 2022 10:51 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કટ્ટર શિવસૈનિકો અત્યારની પરિસ્થિતિ જોઈને બની ગયા ભાવુક : તેમનું કહેવું છે કે પક્ષમાં જે કંઈ નારાજગી હતી એ સામસામે ચર્ચા કરીને ઉકેલવી જોઈતી હતી

ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ આપવા માતોશ્રીની બહાર મોટા પ્રમાણમાં શિવસેનાના સપોર્ટરો એકઠા થયા હતા. (તસવીર : પીટીઆઇ)

વિશ્વાસઘાતની સીમા ક્રૉસ કરતાં શરમ પણ આવી નહીં એવું જણાવીને કટ્ટર શિવસૈનિક અને પોતાના ઘર પર ભગવો ઝંડો રાખીને બાળાસાહેબ ઠાકરેની પૂજા કરનાર ​વિલાસ ચૌરઘેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવસેનામાં પડી રહેલી ફૂટફાટ અને હાલની હાલત જોઈને હું છેલ્લા બે દિવસથી ભાવુક થઈ ગયો છું અને ગઈ કાલે તો રડી પડ્યો હતો. હું હિન્દુત્વ શું છે એ બાળાસાહેબ પાસેથી શીખ્યો હતો. એથી હાલમાં જે બળવાખોરો છે તેમણે હિન્દુત્વ એટલે શું એ પહેલાં સમજવાની જરૂર છે. બળવાખોરોને જરાય શરમ કે લાજ આવી નહીં કે આ હદે વિશ્વાસઘાત અને ગદ્દારી દેખાડી? સીએમ સમય નથી આપતા જેવી બધા પ્રકારની નારાજગી એક બાજુએ, પણ આ રીતે ગદ્દારી કરવાની કે આખા પક્ષને જ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે? એકનાથ શિંદેને કોઈ સમસ્યા હતી તો એ પક્ષપ્રમુખ આગળ મૂકી શકતા હતા. મુંબઈમાં ઘરની પાસે બોલવાની વાતો સુરત જઈને કેમ બોલે છે? બાળાસાહેબે ભારે જહેમત અને સિદ્ધાંતો સાથે શિવસેના બનાવી હતી અને એની ગરમીને આ રીતે ઉછાળવામાં આવી રહી છે એ જોવાઈ રહ્યું નથી. મેં તો હવે ટીવી જોવાનું પણ બંધ કરી દીધું છે, કારણ કે આ બધું જોવાઈ રહ્યું નથી. શિવસેના એક કુટુંબ છે અને એમાં કુટુંબીજનો જ આવું કરે એ કઈ રીતે જોઈ શકાય?’

કટ્ટર શિવસૈનિકો ક્યારેય આવા બળવાખોરોને સમર્થન નહીં આપે એવું જણાવતાં શિવસૈનિક વિનાયક નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવસેનાના શાખાપ્રમુખો અને નાના-મોટા કાર્યકતાઓ પરિવારની જેમ મહેનત કરીને પક્ષ માટે કામ કરતા હોય છે. ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરાય છે ત્યારે પક્ષ મોટો થાય છે અને ત્યારે આ વિધાનસભ્યો ચૂંટાઈને આવે છે. તમે એક નજર નાખશો તો બળવાખોરો બધા વિધાનસભ્યો જ છે. કેમ કોઈ શાખાપ્રમુખ કે શહેરના અન્ય પદાધિકારીઓએ પક્ષ છોડવાની વાત કરી નહીં? આ બળવાખોરોને પોતાનું બધું સારું કરવું છે એટલે આ પરિસ્થિતિ ઊભી કરાઈ છે. ડ્રાઇવરથી આજે ગટનેતા સુધી પક્ષે તેમને પહોંચાડ્યા, આટલું મોટું વ્યક્તિત્વ બનાવ્યા એનું તો ઋણ રાખીને વિચારવું હતું. કટ્ટર શિવસૈનિકો આ લોકોને ક્યારેય સાથ આપશે નહીં અને આગામી ચૂંટણીમાં આ બળવાખોરોએ જનતા અને કટ્ટર શિવસૈનિકોનો સામનો કરવો પડશે.’

અન્ય એક કટ્ટર શિવસૈનિક ચંદ્રકાંત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી સાથે શિવસેનાએ સંસાર માંડ્યો એ અનેક શિવસૈનિકોને પસંદ પડ્યું નથી એ ખરી વાત છે, પરંતુ એનો જરાય એવો મતલબ નથી કે શિવસેનાને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દેવી. નારાજગી છે તો બોલીને કહો, પરંતુ આ રીતે જ્યાં-ત્યાં ભાગીને શું કામ કરવામાં આવે છે? ઘરનો ઝઘડો હોય એ ઘરમાં જ રહેવો જોઈએ. ન્યુઝ-ચૅનલમાં આ બધા સમાચાર આવતા હોવાથી મારું મન ખૂબ ભારે થઈ જાય છે એટલે મારી જાતને ટીવી ને સોશ્યલ મીડિયાથી દૂર કરી દીધી છે. ફક્ત એક જ વિચાર આવે છે કે બાળાસાહેબે આ બધું ક્યારેય થવા દીધું ન હોત.’

અન્ય શિવસૈનિક અમોલ પવારે જણાવ્યું હતું કે ‘હિન્દુત્વ અને મરાઠી માણૂસનું કવચ આ મુદ્દા પર જ શિવસેના બની છે. નિષ્ઠાવાન અને ઈમાનદાર શિવસૈનિકોએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો અમને આટલી મહેનત કર્યા પછી જોવા મળશે. બળવાખોરોની જે કંઈ નારાજગી હતી એ સામસામે ચર્ચા કરીને ઉકેલવી જોઈતી હતી. આજે અમારા જેવા શિવસૈનિકો કેવું અનુભવી રહ્યા છીએ એ શબ્દોમાં હું બોલી શકતો નથી એટલું દુ:ખ થઈ રહ્યું છે.’

mumbai mumbai news maharashtra shiv sena preeti khuman-thakur