તમે ગમે એટલો ત્રાસ આપો, પણ હું ડરીશ નહીં અને છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ

28 June, 2022 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈડીએ સંજય રાઉતને સમન્સ મોકલીને પૂછપરછ માટે આજે સવારે ૧૧ વાગ્યે બોલાવ્યા છે ત્યારે તેમણે કહ્યું કે મારું ગ‍ળું કાપશો તો પણ હું ગુવાહાટી નહીં જાઉં, છેલ્લા શ્વાસ સુધી શિવસેનામાં જ રહીશ

ગઈ કાલે દાદરમાં આવેલા શિવસેનાભવનમાંથી બહાર આવીને પત્રકારોને મળેલા સંજય રાઉત. (તસવીર : સતેજ શિંદે)

શિવસેનાના એકનાથ શિંદેએ બળવો કરતાં ગરમાયેલા રાજ્યના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરેના પડખે રહેલા સંજય રાઉતે આ છ દિવસ દરમિયાન અનેક વાર મીડિયા સામે આવીને બળવાખોરોને આડે હાથે લીધા હતા. જોકે સોમવારે એ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. બીજી બાજુ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ પ્રવીણ રાઉત અને પત્રા ચાલ જમીનના કેસમાં સંજય રાઉતને સમન્સ મોકલીને પૂછપરછ માટે આજે સવારે ૧૧ વાગ્યે બોલાવ્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે મંગળવારે મારી અલીબાગમાં સભા છે અને અન્ય કાર્યક્રમો પણ છે એટલે મંગળવારે પૂછપરછ માટે નહીં જઈ શકાય. સંજય રાઉતે કહ્યું હતું કે ‘તમે મને ગમે એટલો ત્રાસ આપો, હું ડરીશ નહીં. ગુવાહાટી જવા કરતાં હું ખોટા આરોપસર જેલમાં જવાનું પસંદ કરીશ. મારું ગળું કાપી નાખશો તો પણ ગુવાહાટી નહીં જાઉં. હું બાળાસાહેબ ઠાકરેની શિવસેનામાં રહીશ અને છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ.’

સંજય રાઉતને ઈડીનો સમન્સ મ‍ળતાં તેમણે કહ્યું હતું કે ‘આવતી કાલે મારી અલીબાગમાં અને અન્ય જગ્યાએ જાહેર સાભા છે એટલે હું ઈડી સમક્ષ હાજર નહીં થઈ શકું. એથી હું ઈડી પાસે સમય માગવાનો છું. હું તપાસ માટે ચોક્કસ હાજર રહીશ. હું ગભરાવાનો નથી. કાયદાકીય પ્રક્રિયામાં ચોક્કસ સાથ આપીશ.’

ઈડીએ આ કેસમાં આ પહેલાં પણ પૂછપરછ માટે સંજય રાઉતને બોલાવ્યા હતા અને તેમની કેટલીક સંપત્તિ પણ જપ્ત કરી હતી.  

સંજય રાઉતે એ પહેલાં શિંદે ગ્રુપને વખોડતાં કહ્યું હતું કે ‘ગુવાહાટીમાં જે ૪૦ લોકો છે એ જીવતી લાશ છે. તેમનો આત્મા મરી ગયો છે. તેઓ મુંબઈ આવશે ત્યારે પોસ્ટમૉર્ટમ માટે તેમને સીધા વિધાનભવન લઈ જવાશે.’

તેમના આ સ્ટેટમેન્ટને કારણે હોબાળો મચી ગયો હતો અને શિંદે ગ્રુપમાંથી પણ એના પર જોરદાર પ્રતિક્રિયા આવી હતી. એ પછી સંજય રાઉતે બાજી વાળવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે એ બદલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આ જે શબ્દ છે એ કંઈ મહારાષ્ટ્ર માટે નવો નથી. તમારી (બળવાખોરોની) બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. તમારો મહારાષ્ટ્ર સાથે, સમાજ સાથે, લોકો સાથે સંપર્ક તૂટ્યો છે એટલે તમે આ પ્રકારના આરોપ કરી રહ્યા છો. મેં કોઈના પણ આત્માને કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ નથી કર્યો. મેં ફક્ત એમ કહ્યું કે તમારું સ્વાભિમાન મરી ગયું છે એથી તમે જીવતી લાશ જેવા બની ગયા છો.’

પત્રકારે જ્યારે તેમને સવાલ કર્યો કે હવે તો તમારી નજીકના મનાતા ઉદય સામંત પણ તેમની સાથે ભળી ગયા છે અને આ શિવસેના માટે મોટો ઝટકો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તે અમારા અંતરંગ વર્તુળમાં હતા અને છે. ત્યાં ગયેલા બધા અમારા નજીકના જ છે, પછી એ દીપક કેસરકર હોય કે એકનાથ શિંદે હોય. અમે બધા અઠવાડિયામાં એકાદ વાર સાથે ચા-પાણી પીતા અને સુખદુ:ખની વાતો થતી. અમને લાગે છે કે એમાંના કેટલાક લોકો જે મનેકમને ગયા છે તેઓ પાછા ફરશે. એ લોકોનો આત્મા જાગશે અને અમારી પાસે પાછા ફરશે. તેઓ અમારા જ માણસો છે. વર્ષો સુધી અમે સાથે કામ કર્યું છે. ઉદ્ધવ ઠાકરે અને એ પહેલાં બાળાસાહેબ ઠાકરે સાથે અમે કામ કર્યું છે. ઉદ્ધવ ઠાકરે બીમાર હતા ત્યારે તમે તેમને તરછોડીને ચાલ્યા ગયા છો એ મનાય એવું નથી. બીજું, એ સમજી લો કે ઈડી કે કેન્દ્રીય એજન્સીઓ તમને મત આપવાની નથી. મત જનતા જ આપવાની છે અને જનતા આજે તમારી સામે રસ્તા પર ઊતરી છે. જો બીજેપી મુફ્તી મોહમ્મદ સઈદ સાથે સરકાર બનાવી શકે છે તો અમે તો જેમની સાથે સરકાર બનાવવી છે એ તો આ જ રાજ્યનો જ વર્ષો જૂનો પક્ષ છે. આ જે લડાઈ છે એ લીગલ ફાઇટ અને સ્ટ્રીટ ફાઇટ છે અને બન્ને રીતે ફાઇટ ચાલુ રહેશે. આસામમાં તો પૂર આવ્યાં છે અને અનેક લાશો તરી રહી છે. તમારી પાસે તો ૫૦નો આંકડો છે તો ત્યાં શું કામ બેઠા છો, આવી જાઓ મહારાષ્ટ્રમાં.’

mumbai mumbai news maharashtra shiv sena sanjay raut