બધું પહેલેથી જ પ્લાન હતું?

24 June, 2022 09:45 AM IST  |  Mumbai | Dharmendra Jore

એનસીપી અને કૉન્ગ્રેસે છેલ્લી ક્ષણ સુધી શિવસેનાને ટેકો આપવાનું વચન આપ્યું છે ત્યારે એવી વાતોય ઊડી છે કે શું સેના-બીજેપીના ફરી યુતિ થાય એ માટે આ યોજના અગાઉથી જ ઘડાયેલી હતી

નરીમાન પૉઇન્ટમાં મીટિંગ માટે આવી રહેલા અજિત પવાર (તસવીર : અતુલ કાંબળે)

એમાંય સંજય રાઉતના એમવીએ સરકાર છોડવા સંબંધી વિધાનથી એનસીપી અને કૉન્ગ્રેસે સ્તબ્ધ

જો બળવાખોર વિધાનસભ્યો મુંબઈ આવે અને તેમની દરખાસ્ત વિશે મુખ્ય પ્રધાન સાથે રૂબરૂમાં ચર્ચા કરે તો શિવસેનાનું નેતૃત્વ મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર છોડવા માટેની બળવાખોરોની માગણીને ધ્યાનમાં લેશે એવું સેનાના પ્રવક્તાએ જણાવ્યા પછી પણ એનસીપી અને કૉન્ગ્રેસે રાજકીય કટોકટીની આ ઘડીમાં છેલ્લી ક્ષણ સુધી સેનાને ટેકો આપવાનું વચન આપ્યું છે ત્યારે એમવીએ કૅમ્પમાં અટકળો થઈ રહી છે કે આટલી સંખ્યામાં વિધાનસભ્યો તેમના નેતૃત્વની વિરુદ્ધ શા માટે ગયા? એવી પણ વાતો ઊડી રહી છે કે આ સમગ્ર પ્રકરણ ક્યાંક સેના-બીજેપીના પુનર્જોડાણ માટે અગાઉથી તો નહોતું ઘડાયુંને?

સંજય રાઉતના અપીલ અને ચેતવણીના સૂરમાં અપાયેલા નિવેદનથી કૉન્ગ્રેસ અને એનસીપીની છાવણીને આંચકો લાગ્યો છે. અજિત પવારે કહ્યું કે ‘તેમણે (સંજય રાઉતે) કહ્યું હતું કે આ સરકાર બીજાં પચીસ વર્ષ સુધી ચાલશે. હું તેમણે શું કહ્યું હતું એની આજે આલોચના કે મૂલ્યાંકન કરવા નથી માગતો, પણ હું ટોચના નેતૃત્વને પૂછીશ કે શું તેઓ આમ કરવાનું વિચારી રહ્યા છે?’
જોકે મને નથી લાગતું કે સેનાની નેતાગીરી આવું વિચારી રહી હોય, કારણ કે કેટલીયે વખત નારાજ સભ્યોને મનાવવા માટે આવાં નિવેદનો કરવાં પડે છે એમ તેમણે કહ્યું હતું.
કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે પણ આ મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

કેટલાક લોકોનું કહેવું છે કે છેલ્લાં અઢી વર્ષથી સેના-બીજેપી વચ્ચે જે તણાવભર્યા સંબંધો પ્રવર્તી રહ્યા છે એ જોતાં બન્ને હાથ મિલાવે એવી શક્યતા પાંખી છે, કારણ કે તેમણે એકબીજાની વિરુદ્ધ ઘણું કહ્યું છે અને કર્યું છે.

‘આ બીજેપીનું કામ છે, સેનાનું નહીં’

વરિષ્ઠ પત્રકાર પ્રકાશ અકોલકરે જણાવ્યું હતું કે ‘વર્તમાન સ્થિતિ અગાઉના બનાવોની શ્રૃંખલાને ધ્યાનમાં લેતાં આ બળવાની પૂર્વભૂમિકા તૈયાર કરવાનું કામ ચોક્કસપણે બીજેપીનું છે, સેનાનું નહીં. આ માટેનો તખ્તો છેલ્લાં અઢી વર્ષથી ઘડાઈ રહ્યો હતો.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘બીજેપી તરફથી આટલાં અપમાન અને શાબ્દિક હુમલાઓનો સામનો કર્યા પછી ઉદ્ધવ ઠાકરે પક્ષને આવા ડ્રામા માટે તૈયાર કરે એ કલ્પના બહારની વાત છે. વાસ્તવમાં હું કહીશ કે સેનાના અભિગમમાં સુધારો આવ્યો છે. તેમના પિતા બળવાનો સંકેત આપનાર સામે કડક હાથે કામ લઈને તેમને પક્ષમાંથી હાંકી કાઢતા હતા (જેમ કે છગન ભુજબળ, ગણેશ નાઈક અને નારાયણ રાણે). એનાથી ઊલટું, ઉદ્ધવે એકનાથ શિંદે અને અન્ય બળવાખોરો સામે સમાધાનનું વલણ અપનાવ્યું છે.’

 

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party nationalist congress party congress ajit pawar sanjay raut dharmendra jore