એનસીપી અને કૉન્ગ્રેસની કાર્યશૈલીથી નારાજ છીએ, સેનાના વડા સામે કોઈ ફરિયાદ નથી : બળવાખોર વિધાનસભ્યો

23 June, 2022 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેનાના વિધાનસભ્યો બુધવારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં આસામના ગુવાહાટી પહોંચ્યા હતા

ફાઇલ તસવીર

શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળ પક્ષના નારાજ વિધાનસભ્યો ગુવાહાટી જઈ પહોંચ્યા છે ત્યારે એમાંના એક પ્રધાને બુધવારે જણાવ્યું હતું કે તેમને સેનાના નેતૃત્વ સામે કોઈ ફરિયાદ નથી, પણ શાસક ગઠબંધનના અન્ય બે ભાગીદારો એનસીપી અને કૉન્ગ્રેસની કાર્યશૈલીથી તેઓ વ્યથિત છે. સેનાના વિધાનસભ્યો બુધવારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં આસામના ગુવાહાટી પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રના પ્રધાન સંદીપન ભુમારેએ ફોન પર જણાવ્યું હતું કે ‘અમને શિવસેનાના નેતૃત્વ સામે કોઈ નારાજગી નથી. અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ અમારી ફરિયાદો રજૂ કરી હતી કે એનસીપી અને કૉન્ગ્રેસના પ્રધાનો સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેમના પ્રધાનો પાસેથી અમારી દરખાસ્તો અને કામની વિનંતીઓ મંજૂર કરાવતાં નાકે દમ આવી જતો હતો. મને કૅબિનેટ પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો અને હું એનાથી સંતુષ્ટ હતો, પણ લોકોના પ્રતિનિધિ તરીકે મારે મારા લોકોની ફરિયાદો ઉકેલવી જરૂરી છે. આ બે ભાગીદારોને કારણે હું એ કામ યોગ્ય રીતે કરી શકતો નહોતો.’

સેનાના અન્ય એક અસંતુષ્ટ વિધાનસભ્ય સંજય શિરસાટે જણાવ્યું હતું કે ‘બીજા પણ કેટલાક વિધાનસભ્યો આજે સાંજ સુધીમાં અમારી સાથે જોડાશે. અમને ત્રણ અપક્ષ વિધાનસભ્યોનું પણ સમર્થન મળ્યું છે. એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓના દ્વેષયુક્ત વર્તનને કારણે સેનાના વિધાનસભ્યોને બળવો પોકારવાની ફરજ પડી.’

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party