શિંદે-સેનાચા વિજય અસો?

24 June, 2022 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમવીએ સરકારે હવે એકનાથ શિંદે વિધાનસભામાં જ બળાબળની કસોટી કરે એ માટે હાકોટાપડકારા શરૂ કરીને તેમને સાણસામાં લેવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ મહાશક્તિના સહારે શિંદેનું જ ધાર્યું થાય તો નવાઈ નહીં

થાણેમાં ઠેર-ઠેર એકનાથ શિંદેના ટેકામાં બૅનરો લાગ્યાં છે (તસવીર : સમીર માર્કન્ડે)

મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય જોવા ન મળી હોય એવી ગતિવિધિઓ આકાર લઈ રહી છે ત્યારે અત્યાર સુધી શાંતિથી બેઠેલા રાજનીતિના ખેલના મહારથી શરદ પવારે ગઈ કાલે સાંજે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને એક રીતે એકનાથ શિંદેના બળવાને પડકાર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બળવાખોર વિધાનસભ્યોએ કિંમત ચૂકવવી પડશે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું હતું કે ‘આસામમાં બેઠેલા બીજેપીના લોકો આ વિધાનસભ્યોને મહારાષ્ટ્ર વિધાનભવનમાં મદદ કરવા નહીં આવે. જે વિધાનસભ્યો બહાર ગયા છે તેમણે વિધાનભવનમાં આવવું જ પડશે.’
જોકે આની સામે શિંદેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમારી સાથે ફસવાફસવી ન કરો અને હવે તો નવા વિડિયો પછી જગજાહેર છે કે તેમને મહાશક્તિ બીજેપીને સાથ છે. આવામાં શિંદે કોઈ રીતે એમવીએની હાથમાં આવે એવી શક્યતા નથી લાગતી. આવામાં શિવ-સેના હવે શિંદે-સેના બને તો નવાઈ નહીં.

એની સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર લઘુમતીમાં છે કે નહીં એ વિધાનભવનમાં નક્કી થશે. શરદ પવારની પ્રેસ-કૉન્ફરન્સના થોડા સમય બાદ જ શિવસેનાએ એકનાથ શિંદેની જગ્યાએ નવા નિયુક્ત કરેલા ગટનેતા અજય ચૌધરીએ ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવળને પત્ર લખીને શિવસેનાના ૧૨ વિધાનસભ્યોનું પાર્ટીપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમાં હાજર ન રહેવા બદલ વિધાનસભ્યપદ રદ કરવા કહ્યું હતું. આ રીતે એકનાથ શિંદે ગ્રુપને સાણસામાં લેવાનું એમવીએ સરકારે શરૂ કરી દીધું છે. સરકાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે જો બીજા વિધાનસભ્યો આ ઇશારો નહીં સમજે તો તેમનું પણ વિધાનસભ્યપદ રદ કરવામાં આવશે.

જોકે આની સામે એકનાથ શિંદેએ ગઈ કાલે રાતે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘કોને ગભરાવવાની કોશિશ કરી રહ્યા છો? તમારી બનાવટ અને કાયદો શું કહે છે એની અમને પણ ખબર પડે છે. વ્હિપ વિધાનસભાના કામકાજ માટે લાગુ પડે, કોઈ મીટિંગ માટે નહીં. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના અસંખ્ય ચુકાદા છે. ૧૨ વિધાનસભ્યોને બરતરફ કરવાની અરજી કરીને તમે અમને ડરાવી ન શકો, કારણ કે અમે જ વંદનીય શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેની ખરી શિવસેના અને શિવસૈનિક છીએ. અમે કાયદો જાણીએ છીએ એટલે તમારી ધમકીને ગણકારતા નથી. તમારી પાસે સંખ્યા ન હોવા છતાં ગેરકાયદે ગટ તૈયાર કર્યો હોવાથી તમારી સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે.’

શરૂઆતમાં શરદ પવાર એવું માનતા હતા કે માતોશ્રીના ઇશારે બધું થઈ રહ્યું છે એટલે જ તેઓ ઍક્ટિવ નહોતા થતા, પણ ગઈ કાલે એ વાત સ્પષ્ટ થયા બાદ તેઓ મેદાનમાં આવ્યા હતા. 

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party